મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ આડી લઈને પર ક્લિક કરી જોઈ શકશો .

મેથિયું એટલે મેથિયું એટલે મેથિયું :

બાળપણમાં બપોરે રિસેસમાં એક જ નાસ્તો હતો તે ચા સાથે પૂરી કે ભાખરી અને સાથે મેથિયું અથાણું.આ જ ટેવ મારા દીકરાને પણ રહેલી. હવે સમય પલટાયો છે એટલે પૌત્રોને એ નાસ્તો ન ગમે પરંતુ મેથિયાનાં સંભારના થેપલા કદાચ ખાઈ નાંખે. અનાવિલ ઘરોમાં ઉનાળાની મોસમ શરૂ થાય એટલે પાણીચા કે મૂળામાંના અથાણાથી શરૂઆત થાય. નાની નાની કાચી કેરીને રાઈ, દિવેલ,મીઠું, હળદર, લીમડીના પાન અને થોડું તેલ લઈ મોઈ લઈ બરણી ચોપડી આથી દેવાનું. મને નાની કેરીમાં ટોટાપૂરીનું પાણીચું જ ગમે. તે પાણી અથાઈ એટલે તેમાં ધોઈને સ્વચ્છ કરેલી ગરમેલ,ગૂંદા, કરમદાં,ગુવારસિંગ પણ આથવાની.ટોટાપૂરી કેરી તો ફણસના ચાંપાં જેવી લાગે એવું અમારાં કૈલાસકાકી હમેશાં કહેતાં. આ અથાણું પછી ખાસ નાગ પાંચમે ખીચડી તથા નોળી નોમે વરડું- રોટલા સાથે ખવાય અને જ્યાફત થઈ જાય.દહીંમાં મેથિયુંનો રસો મેળવો પછી માણો અસલી સ્વાદ.

જોકે મારે મેથિયાંની વાત કરવી છે. કેટલી મેથીનું અથાણું કરવાનું એમ પુછાય. તે રીતે માપ હોય. એક શેર ભરડેલી મેથીએ અઢી શેર મીઠું,પાંચસાત વઘારનાં મરચાં,એક શેર લાલચટક ડબલ રેશમપટ્ટી જાડું ઓછું તીખું મરચું,પાશેર વાટેલી સૂકી હળદર અને પાશેર ઊંચી જાતની ગંધવાળી હિંગ, નવટાંક રાઈનાં કુરિયાં ,જરૂર મુજબ તલનું તેલ અને નવટાંક( ૭૫ ગ્રામ) દિવેલ આટલું મસાલાનું માપ. હવે જો તમે કેરીના ટૂકડા કરો તો સાડા બાર શેર રાજાપુરી કે પછાતિયાની કેરી જોઈએ અને ઘૂઘરા ભરવા હોય તો પંદર શેર. જોકે હવે ખાસ કોઈ ઘૂઘરા ભરતું નથી.આ અઢી શેર મેથીમાંથી અડધો શેર મીઠું કેરી આથવા કાઢી લેવાનું.જ્યારે અથાણું બનાવવું હોય ત્યારે મસાલો આગલા દિવસે કે બે-ત્રણ દિવસ આગળ બનાવી લેવો. એક જાડું તળિયું હોય તેવી થોડી મોટી તપેલી ગેસ કે સગડી પર મૂકી તેમાં પહેલાં દિવેલ મૂકવું. દેશી દિવેલ હોય તો એની વરાળ નીકળી જવા દેવાની પછી તેમાં તલનું તેલ ઉમેરવું. ગરમ થાય એટલે તેમાં વઘારના મરચાં નાખવા. મરચાં તતડે એટલે બે ચમચી હિંગ નાખવી અને બશેર મીઠું નાખવું. મીઠું સેકાય એટલે મેથી ઉમેરવી અને થોડોવાર હલાવી તપેલું ગેસ કે ચૂલેથી ઉતારવું. બરાબર હલાવી લેવું. એકદમ ઠંડું પડે પછી તેમાં હળદર, હિંગ, મરચું , રાઈના કુરિયાં ઉમેરી બરાબર ભેળવવું. મસાલો તૈયાર. તેને વ્યવસ્થિત, સ્વચ્છ, સૂકી બરણીમાં ભરી લેવો. આ મસાલો થેપલાં, રોજની તુવર દાળ, દેસાઈ વડામાં પણ વાપરી શકાય. ખાખરા સાથે ખાઈ શકાય.

અથાણાની કેરીને બરાબર ભીના અને સૂકા કપડાંથી લૂછીને તેના થોડા મોટા ટૂકડા કરાવી લેવા ને તેમાં બાકી રાખેલું અડધો શેર દળેલું મીઠું નાંખી ભેળવી લેવું ને થોડો થોડો વારે ઉછાળવું. પાણી પડે એટલે અથાવાની શરૂઆત થશે.બેત્રણ કલાક એ રીતે ઉછાળતા રહેવું. અથાય એટલે પાણી નિતારવું ને બરાબર પાણી નીતરે પછી જ એને થોડો વાર તડકે સૂકવવું. આ રીતે સૂકવવા માટે એને સ્વચ્છ કપડાં પર પાથરવું. બરાબર પાણી સુકાયું હોય પછી એને મોટી થાળીમાં લઈ તેમાં તેલ નાંખી બધી ટૂકડા કેરીને મોઈ લેવી, થોડો મસાલો કાઢી લેવો.બાકીનો મસાલો કેરીમાં બરાબર ભેળવવો. જરૂરી તેલ લેવું પરંતુ તેલમાં લથપથ ન થવા દેવું. હવે જે બરણીમાં ભરવાના હોય તેમાં પહેલાં થોડો મસાલો ભભરાવવો. પછી મસાલાવાળી કેરીનું લેયર( સ્તર) કરવું. આ રીતે ત્રણચાર લેયર કરવા ને છેવટે ફરીથી ઉપર સંભાર( મસાલો) ભભરાવવો. બરણીનું મોઢું ઢાંકણ અને કપડાંથી બાંધી લેવું. હવે એ બરણીને યથા સ્થાને રાખી બીજે દિવસે સવારે અથાણું દબાવી લેવું.આ દિવસે લગભગ લિટર જેટલું તલનું તેલ ગરમ કરી તેમાં ચમચી હિંગ નાંખી ઠંડું પાડવું ને તેના પર જાળી કે કપડું ઢાંકવું. તેલ ઠંડું પડે પછી ત્રીજે દિવસે( અથાણું ભર્યા પછીના) સવારે ફરીથી અથાણું દબાવી ડૂબે એટલું તેલ રેડવું. આ અથાણું તેલ ડૂબતું જ રાખવું જરૂરી છે. કુલ લગભગ દોઢથી બે લિટર તેલ જાય છે છતાં વધઘટ જોઈ લેવી. આ અથાણું પંદરવીસ દિવસમાં બરાબર અથાઈ જાય છે. જ્યારે ખાવું હોય ત્યારે નાની બરણીમાં રાખવું પરંતુ એને હવા ન લાગવી જોઈએ. હવા લાગે તો કેરી પોચી પડે. જેમને જે સાઇઝના ટૂકડા ગમે તેવા ટૂકડા કરી રસા સાથે જ કાઢવું. આ અથાણું સામાન્ય રીતે ડૂબતું તેલ રાખીએ તો પોચું પડતું નથી ને ફૂગ પણ લાગતી નથી. હવે કેટલાકને પ્રશ્ન નડે તો તે કેરી કે સ્વચ્છતાનું કારણ હોઈ શકે.

આ તો અથાણું બનાવવાની રીત કહી પરંતુ અમે જેમની પાસે શીખેલાં તે અમારાં સાસુમા ‘ બાઈ ‘ ગુરુ તરીકે કડક. તમને પૂરું માપ ક્યારેય ન બતાવે. શેરના માપમાં પણ “ ચપટી ઈંગ(હિંગ) ને ચેંગરું તેલ ( ચાર આંગળાંનો એક હાથનો ખોબો તે ચાંગળું એટલે કે ચાર આંગળાંનું માપ) “એમ બોલે ત્યારે આપણે મોઢું વકાસી સામે જોઈએ તો એનાં તેવર બદલાય ને પારો ઊંચો જાય! સગડી કે ગેસ પાસે બધું જ તૈયાર જોઈએ. જો તમે તે સમયે દીવાસળીની પેટી કે લાઈટર શોધવા નીકળો તો તમારી ખેર નથી.બપોરે મસાલો તૈયાર કરવાનો સમય પકડે ત્યારે આપણને જો બગાસું આવ્યું તો પછી ગયા કામથી! બાઈની પાન પટ્ટી પતે ને તૈયાર રસોડે એની પધરામણી થાય ને મસાલો બને ત્યારે એની છટા જોવાની! આપણે ભૂલમાં પહેલાં મેથી કે મીઠુંની મૂંઝવણ અનુભવીએ તો ખલાસ! બરણી પર બાંધવાનો કટકો સ્વચ્છ, સફેદ ધોયેલો જોઈએ જ. નાડું પણ સામે જ જેથી બાંધવાનું સરળ પડે. જે બાઈનો તે સમયે ડર લાગતો તે બાઈ આજે એટલી યાદ આવે કે ન પૂછો વાત! આજે જે કાંઈ ઘરગથ્થુ આવડત છે તેમાં એનું પ્રદાન નોંધનીય. બીજી પણ વાત કરવી જોઈએ કે બાઈ ગુસ્સેબાજ હતાં પરંતુ આસુતોષ. તરત રીઝે પણ ખરાં. શોખીન તો એટલાં જ. આજે બાઈ પુરાણ નથી એટલે અહીં અટકું.

નવું અથાણું બને તે પહેલાં બરણી સાફ કરવા જૂનું અથાણું ખાલવે તે ઘરકામ સહાયકોને યાદ કરી કરીને બાઈ આપે. નવું અથાણું પણ બધાંને ખવડાવે. હું હજી આજે પણ અથાણું ખાઉ કે ન ખાઉં પરંતુ બનાવું તો ખરું જ. અમારાં લગ્ન થયાં ત્યારે તો બધાં કાકાના ઘરે સાથે અથાણું બનતું એટલે વાડીએ કેરી લેવા જવાનું.જેને જેટલી જોઈએ તેટલી કેરી મળે તો ખરી પરંતુ કડવી કે મીઠી રકઝક તો ચાલુ જ રહે. ઘરની વાડી પણ છીણ કે છૂંદા તો ફૂટિયાંનાં જ બને. ‘ ફૂટિયાં ‘એટલે પડેલી કેરી, તોડેલી નહીં! મુરબ્બો ‘હાખિયા ‘ નો ઓય તો બો’ હારો! ( મુરબ્બો ‘સાખિયા ‘ નો હોય તો બહુ સારો: સાખ(આંબા) પર અડધીપડધી પાકેલી કેરી તે ‘ સાખિયું ‘ જે પછી તૂટી પડે)સાખિયાની વાત નીકળી એટલે એક અનાવિલ રૂઢિ પ્રયોગ કહું. જે વરરાજા પરણવા એકદમ તૈયાર હોય તેને ‘ હાખિયું‘

કહેતાં પોરીવારાને( છોકરીવાળાને)સલાહ અપાય કે તમતમારે પૂછો ,”હાખિયું જ છે રે, તૂટી પડહે ! “( તમારું નક્કી થઈ જશે.)

આ મેથિયું પરથી એક ગાળ છે તે એ કે વાતે વાતે ચીડ વ્યક્ત કરવા બોલાય, “મેથિયા જમ્મા( જમવા) અર્થ એ કે મેથિયું જરા ગરમ એટલે ખાય તો પિત્ત થાય ને દાઝરો બરે( બળે) એટલે કોઈ તરફ કટાક્ષ કરવો હોય તો આવું બોલાય કે મેથિયાં જમવાં!

ખીચડી, રોટલા, પૂરી, ભાખરી સાથે તો મેથિયું હંમેશ જાય પરંતુ એનો ખરો રંગ વાલની હીપ( સીપ: સળંગ) દાળ, રોટલા ને કાંદા સાથે પ્રગટે. હવે તો આચારી પરોઠાં પણ પ્રખ્યાત છે. તો આ મેથિયાં ઉર્ફે અવેજિયાં પુરાણ અહીં સમાપ્ત! હજી તડકાછાંયડાની છીણ, મેથંબો, મુરબ્બો, બફાણું, ગોળિયુ, કેરીચણા, કટકીના અથાણાની કથા બાકી રહે છે!

બકુલા ઘાસવાલા .

#bakulika

પ્રખ્યાત લેખિકા બકુલાબેન ઘાસવાલા દેસાઈ નો એક મજાનો લેખ

અમારી ઉંમરના અનાવિલોનું પ્રિય ભોજન : જુવારનો રોટલો , સીપદાળનું શાક , મેથિયું અથાણું , પાપડ અને કાંદાની કચૂંબર અને કેરીની મોસમમાં કેરીનો રસ કે ચીરિયાં .

અથાણું તૈયાર (જૂનો ફોટો )