મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.

શ્રી અજયભાઈ મો.નાયક દ્વારા

અનાવિલ જ્ઞાતિ અંગે થયેલા સંશોધન પરથી ઈતિહાસની જાળવણી માટે દરેક જ્ઞાતિ માટે આવી પ્રવૃત્તિ આવકાર્ય

જ્ઞાતિ વારસો જાળવવા ગામ સ્તરે સ્મૃતિ ઘર સ્થાપવા જરૂરી

અજય મો. નાયક

દરેક જ્ઞાતિના મહાનુભાવોના પ્રદાન અંગે નવી પેઢીને જાણ થાય એ માટે લાઈબ્રેરી અથવા મ્યુઝિયમ મદદરૂપ બની શકે

વર્ષો પહેલાં વિખ્યાત સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીએ ગુજરાતની વિવિધ જ્ઞાતિઓ અંગે મહાજાતિ ગુજરાતી નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં ગુજરાતની અગ્રણી જ્ઞાતિઓ અંગેની લાક્ષણિક્તા હળવી શૈલીમાં લખી હતી. એ પુસ્તકમાં બક્ષીએ ગુજરાતની અગ્રણી જ્ઞાતિનો સમાવેશ કર્યો હતો. મોટા ભાગે તેમનું અવલોકન બધી જ્ઞાતિ માટે લગભગ સાચું હતું. દરેક સમાજ, જ્ઞાતિ વિશે સમયાંતરે આવાં સંશોધનો થતાં રહે છે અને એ આવકાર્ય પણ છે. હાલમાં આવું જ એક સંશોધન વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવસારીનાં ધરા ભટ્ટે અનાવિલ જ્ઞાતિ વિશે કર્યું છે. જોકે એ માત્ર અભ્યાસ જ છે. કદાચ ટીકાત્મક અભ્યાસ નથી. ધરા ભટ્ટે દક્ષિણ ગુજરાતના અનાવિલ : એક અભ્યાસ હેઠળ તેમનો મહાશોધ નિબંધ લખ્યો છે. તેમાં અનાવિલોનો ઈતિહાસ 1000 વર્ષ જૂનો છે અને મોગલકાળમાં પણ લશ્કરમાં ઉચ્ચ પદે હતા એવું નોંધ્યું છે. આઝાદ હિન્દ ફોજના કેસ સમયે બાહોશ વકીલ ભુલાભાઈ દેસાઈએ કહ્યું હતું કે તેમના પૂર્વજો મોગલકાળમાં સેનામાં ભાઠેલા જનરલના નામે સરસેનાપતિ હતા.મતલબ કે અનાવિલ પહેલેથી જ આગળ પડતી જ્ઞાતિ છે. આઝાદીની ચળવળ હોય કે વડાપ્રધાન પદ હોય કે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસની વાત હોય કે કોઈ કંપનીનો વડો હોય, અનાવિલ બધે છે. ધરા ભટ્ટ આગળ લખે છે કે અનાવિલ અગ્રણી કેમ ? તેના જવાબમાં લખ્યું છે કે અતૃપ્ત મહત્વાકાંક્ષા, ધ્યેયસિધ્ધિ પાછળની અવિરત દોડ, અદમ્ય ઉત્સાહ, હઠીલી સમસ્યા ઉકેલવાની તીક્ષ્ણ બુધ્ધિ, અવરોધોનો સામનો કરવાની હિંમત વગેરે લક્ષણોને કારણે અનાવિલો તમામ ક્ષેત્રે આગળ છે.

આ નિબંધમાં કદાચ ઉત્તમ સૂચન કરવામાં આવ્યું છે. ભાવિ પેઢીને જ્ઞાતિ વારસા અંગે અવગત કરાવવા અનાવિલના શહેરોમાં કે ગામડામાં સ્મૃતિઘર, મ્યુઝિયમ બનાવવા જણાવાયું છે. જ્ઞાતિગત સંશોધન, લેખનને ઉત્તેજન આપવા ઉપરાંત દેશ વિદેશમાં વસતા અનાવિલ વતન સાથે સંબંધ જાળવી રાખે તે માટે પ્રવાસ અને ગામડામાં લાઈબ્રેરીનું સૂચન પણ કર્યું છે. આ વાત દરેક જ્ઞાતિને લાગુ પડે છે. શહેરીકરણને કારણે દરેક કોમમાં સમસ્યા છે. નવી પેઢીને ખબર જ નથી કે તેમના પૂર્વજો કોણ હતાં અને કેવાં હતાં ? આ માટે આ દિશામાં નક્કર કામ થાય એ જરૂરી છે.

આ સાથે જ 1963-1964ના અરસામાં હોલેન્ડના એક સંશોધકે પણ પોતાના પી.એચ.ડી. સંશોધન માટે અનાવિલ જ્ઞાતિની લગ્ન પ્રથાને ધ્યાનમાં લઈ અદભૂત કાર્ય કર્યું છે એનો ઉલ્લેખ કરવો જ રહ્યો. આ સંશોધન પછીથી 'કન્યાદાન દાતા પ્રતિગ્રહીતા'ના નામે ગુજરાતીમાં પુસ્તક રૂપે અનુવાદિત થયું હતું. નેધરલેન્ડના ક્લાસ ડબલ્યુ. વાન ડર વીને આ સંશોધન કર્યું હતું. તેનો ગુજરાતી અનુવાદ મગનભાઈ નાયકે કર્યો હતો. દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠનના નેજા હેઠળ 1987માં આ પુસ્તક પ્રસિધ્ધ થયું હતું. ' I give thee my daughter ' મૂળ પુસ્તકનું નામ છે. તેની પ્રસ્તાવના સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અને એ સમયના કાયદા પંચના અધ્યક્ષ ડી.એ.દેસાઈએ લખી હતી.

પ્રસ્તાવનામાં જસ્ટિસ ડી.એ.દેસાઈએ લખ્યું છે કે અનાવિલ આત્મકેન્દ્રી વ્યક્તિત્વ ધરાવે છે, એવું મનાય છે. સફળ થવા માટે પણ નમશે નહીં. ઝડપથી પરિવર્તન પામતા સમાજમાં કદમ મિલાવી પ્રગતિ સાધવા માટે આ ખાસિયત અવરોધક છે એમ મનાય છે. આ વિશે મતમતાંતર હોઈ શકે છે પણ અદમ્ય પુરુષાર્થ ગમે એવાં અવરોધોનો સામનો કરવાની પ્રબળ શક્તિ કદાચ આ જ ખાસિયતમાંથી જન્મે છે. પરિણામે સર્વશ્રેષ્ઠ પુરુષાર્થનું જન્મસ્થાન બીજરુપે એમાં જ સંગ્રહાયેલું હોય છે એમ માન્યા વિના છૂટકો નથી. કઠોર પરિશ્રમ અને સિધ્ધિ માટે ગમે તેવા ભોગ આપવાની શક્તિ પણ કદાચ એ જ ખાસિયતનું વરવું સ્વરૂપ છે. એ બધા ગુણોનું સુભગ સંમેલન અનાવિલોને વિશિષ્ટ બનાવે છે.

હકીકતમાં તો હોલેન્ડના સંશોધકે અનાવિલ જ્ઞાતિમાં ચાલતા કુરિવાજો અંગે બૃહદ અભ્યાસ કરી આ પુસ્તક લખ્યું છે. તાપીથી વાપી સુધી સીમિત અનાવિલ જ્ઞાતિ વિશે આવાં સંશોધનો થતાં રહે એ આવકાર્ય જ છે પણ સાથે જ સમાજને આગળ લઈ જવા માટે ઉપયોગી સૂચન કરવામાં આવે છે એ વધુ હિતાવહ છે. ઘણી વાર અનાવિલ જ્ઞાતિને પારસીઓ સાથે ચિંતા દર્શાવવામાં આવે છે એ પણ ખોટું છે. અનાવિલ ભલે નાની જ્ઞાતિ હોય પણ ઝડપથી ભૂંસાઈ જાય એવી સ્થિતિમાં પણ નથી. વાન ડર વીને અનાવિલ જ્ઞાતિના આચાર વિચાર, વ્યવહાર, સંસ્કાર, પ્રણાલિકા અને ગુણોના તલસ્પર્શી અન્વેષણ કરી અદ્વિતીય ગ્રંથ આપ્યો છે. અનાવિલો જેનાથી સારા એવા વગોવાયા તે લગ્નવિધિ સાથે સંકળાયેલા કુરિવાજો અને દુષ્ટ પ્રણાલિકા તથા ઊંચીનીચી શ્રેણીમાં વહેંચાયેલા સમાજના ટીકાત્મક પાસાઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નિર્દય રીતે ખુલ્લું પાડીને આપણા સમાજને આત્મનિરીક્ષણ કરવાની મહામૂલી તક પૂરી પાડી છે એવું જસ્ટિસ ડી.એ.દેસાઈ પ્રસ્તાવનાના પ્રથમ ફકરામાં જ નોંધે છે.

પ્રકાશન સમિતિ નોંધે છે કે અનેક ભાષા, ધર્મ અને જ્ઞાતિમાં વહેંચાયેલા ભારતવર્ષમાં અનાવિલ જ્ઞાતિનું એની વિશિષ્ટતા અને મર્યાદાઓને કારણે બહુધા આગવું તો ક્યારેક અળખામણું સ્થાન રહ્યું છે. અલ્પસંખ્યક જ્ઞાતિ હોવાં છતાં પોતાની બુદ્ધિ પ્રતિભા તેમજ અન્ય વિશિષ્ટતાઓને કારણે વિવિધ ક્ષેત્રે સર્વોચ્ચ શિખરો સર કર્યા છે. તો બીજી તરફ વાંકડા પ્રથાને કારણે સર્વત્ર વગોવાતી પણ આવી છે. આવાં વિરોધાભાસી પરિબળોથી પ્રેરાઈને નેધરલેન્ડની એમસ્ટર્ડમ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના એક વિદ્વાન વિવેચક ડૉ. ક્લાસ ડબલ્યુ. વાન ડર વીન અનાવિલોના ગામડેગામડાં ખૂંદી, જ્ઞાતિ- પરજ્ઞાતિના આબાલવૃદ્ધને તેમજ ઠેઠ હળપતિવાસ સુધી પહોંચી, સૌને મળી પોતાની રીતે નિરક્ષીર વ્યવહારથી, તટસ્થભાવે, રસપ્રદ સંશોધન કરી સુંદર ગ્રંથનું નિર્માણ કરે છે. આવો અમૂલ્ય ગ્રંથ નેધરલેન્ડની યુનિવર્સિટી સુધી સીમિત ના રાખતા લોકો સુધી પહોંચે એ માટે ગુજરાતીમાં અનુવાદિત કરી પ્રસિધ્ધ કર્યો છે.

જે રીતે સમય ઝડપથી બદલાઈ રહ્યો છે, આંતરજ્ઞાતિય લગ્ન વધી રહ્યા છે, ગામડામાંથી પલાયન થઈ રહ્યું છે ત્યારે નવી પેઢી માટે આવાં સંશોધનો અને લાઈબ્રેરી, મ્યુઝિયમ જ દીવાદાંડીની ભૂમિકા ભજવશે.

અજય મો. નાયક

(M) 9825464481

ajaynaik63@gmail.com

લેખ-1

અનાવિલો' વિશે - ચંદ્રકાંત બક્ષી

બક્ષી બાબુ લખે છે..

અનાવિલ ક્યારેય માગવા ન નીકળે

મુંબઈમાં ઘરની બાલકની બહાર વરસાદ પડતો જુએ તો હજુ પણ અનાવલાને એમની વાડી યાદ આવી જાય કે, ચીકુ મોટાં થઈ ગયાં હશે. અથવા હાફુસ મહોરી હશે. સ્વભાવે જિદ્દી એવા અનાવલા એક ડાળખી બચાવવા માટે પચાસ ઝાડ વેચતા પણ ન ખંચકાય

અનાવિલ : (સંસ્કૃત શબ્દ) = દોષરહિત, સ્વચ્છ, એ નામની એક જ્ઞાતિ (સાર્થ ગુજરાતી જોડણીકોશ)

અનાવલા : આ જાતિ મસ્તાન અને ભાથેલાના નામે પણ ઓળખાય છે. એમની વસતી ૪૦૦૦૦ ની ઉપર છે. સુરત, વલસાડ જિલ્લામાં અને પાસેના વડોદરા વિસ્તારમાં એ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના અનાવિલો શ્રેષ્ઠ ખેડૂતો છે. અનાવલા નામ અનાવલ પરથી આવ્યું છે, જે સુરતથી ચાળીસેક માઈલ દૂર આવેલું ગાયકવાડી ઉનાઈ ગામ છે અને ત્યાંના ગરમ પાણીના ઝરા મશહૂર છે. મસ્તાન અને ભાથેલાની ઉત્પત્તિ વિશે સ્પષ્ટતા નથી. (ગેઝેટિયર ઑફ બૉમ્બે પ્રેસિડન્સી, પુસ્તક 9, ભાગ 1, પ્રકાશન વર્ષ 1901).

અનાવિલ દોષરહિત છે, સ્વચ્છ છે, મસ્તાન છે, ભાથેલા છે, મોરારજી રણછોડજી દેસાઈના જ્ઞાતિભાઈઓ છે, અનાવિલ માથાભારે કોમ છે. અનાવિલ એંટીલા છે, અનાવલાની જબાનને મિજાગરો ની મલે, ચારે બાજુ ફરે, એની ભાષા કરાડાફાડ, ભેજાના ફાટેલા, ભેજાખોર, એનો તોર હોય. બોલવામાં આખાબોલા, લાંઠ, ડાંડાઈ ખરી, જિદ્દી પણ ખરા - એવા જિદ્દી કે ખુવાર થઈ જાય. ‘હામે શિંગડાં ભેરવે.’ ‘ગમે તેને ધોધ પણ ગણે’ (મતલબ કે એ ભલે ધોવાઈ જતો) : તળેઉપર કરે.

જુદી તરી આવે એવી આ એમની કેટલીય વિશિષ્ટતાઓ, એમની અનાવિલ ભાષામાં! અન્ય ગુજરાતીઓને કેટલીક વાર અનાવિલો સમજાતા નથી, પણ દક્ષિણ ગુજરાતના લોકોને એ બરાબર સમજાય છે.

અનાવિલ સુરત , વલસાડ તરફના છે. મુંબઈથી પાસેમાં પાસે રહેતા ગુજરાતીઓ અને મુંબઈમાં સૌથી મોડા આવેલા ગુજરાતીઓ! દમણગંગાના વલવાડા ગામથી સુરત સુધી અથવા વાપીથી તાપી એ અનાવિલ દેશની ભૂગોળ. અનાવલ નામનું ગામ બીલીમોરાથી ચાળીસેક કિલોમીટર દૂર છે. એમની માતા અંબામાતા

ભાષા બોલાતી વખતે થોડી ખાસિયતો ધ્યાન ખેંચે એવી છે. ‘શ’ ને ‘સ’ બોલે પણ ‘સ’ ને પાછો ‘હ’ બોલે! ‘શું’ને ‘સું’ કહે અને વલસાડને ‘વલહાડ’ કરી નાખે. ‘પડ્યા છે’ એ બોલાય ‘પઈડા છે!’ કેટલાક પ્રદેશોમાં ‘ત’ને ‘ટ’ અને ‘થ’ને ‘ઠ’ પણ બોલાય.

ને તમે ક્યાંય કંય ની બોલતા!

હું બોલો? આમાં તમારું કેથે ની ચાલે!

ધરતીનો જબરો પ્યાર, લગભગ પાટીદાર જેવો જ, પાટીદાર જેવા અનાવિલ માથાભારે ગણાય છે, પણ આશ્ચર્યની વાત એ છે કે મુંબઈ માટે એમને બહુ મોડી માયા જાગી. આને માટેનો અનાવિલ તર્ક એમની દૃષ્ટિએ જ જોવા જેવો છે: શાહુકાર નાખે તેના સવાયા કરે, દોઢાબમણાં કરે, પણ એકના હજાર કરીને દેનારી ધરતી જેવો શાહુકાર બીજો જોયો? (એક દાણો વાવો અને હજાર લણો એ અર્થમાં) આવી માની ચાકરી કરવી છોડીને અભાગિયો હોય તે જ મુંબઈ જાય, કાં વરણાગિયો જાય.

અને અનાવિલ આજે પણ મુંબઈમાં બેઠો હોય તોય ધરતીનો સાદ ભૂલે નહીં. હવે અનાવિલ મુંબઈ જ નહીં, પણ પૃથ્વી પર ઘણી જગ્યાએ ફેલાઈ ચૂક્યા છે, વિવિધ ક્ષેત્રોમાં આજે દેસાઈ એક નાયક ડંકો વગાડે છે. એક અનાવિલ દેસાઈ ભારતના સન્માનીય પ્રધાન મંત્રી પણ બની ચૂક્યા છે. એ દરિયાકિનારાની ખારાશ અને એ આંબાનાં વૃક્ષોની ખુશબૂ અને એ ચોખાના રોટલાનો સ્વાદ અને એ જબાનની ખટમિઠ્ઠી તાજગી આજે પણ અનાવિલ અસ્તિત્વમાંથી ખસ્યા નથી.

પ્રોફેસર મહાદેવ દેસાઈ અર્થશાસ્ત્રી છે, બિઝનેસની થિયરી વિષે ચર્ચા કરે છે. ઈકોનોમિક્સના ‘ઝીરો ગ્રોથ’ પર પિસ્તાલીસ મિનિટ ભાષણ આપી શકે છે. યુવાન છોકરીઓ થર્ડ યર કૉમર્સના વર્ગમાં આંખો ફાડીને આંખોથી સાંભળતી હોય એટલી તન્મય થઈ જાય છે! પણ એ કોમનરૂમમાં આવીને પગ ફેલાવીને નેસ-કાફેવાળી કૉફી પીતાં પોતાની જાતિ વિષે વાત શરૂ કરે ત્યારે તમે એમના ખૂબસૂરત ચહેરા પર અસલી રંગ ઊભરતો જોઈ શકો છો, એ કહે છે એક ડાળી બચાવવા માટે અમે પચાસ ઝાડ વેચાવી દઈએ! છોડીએ નહીં. લડીએ તો જ લોહી ગરમ રહે, તબિયત સારી રહે. જેવું વેકેશન પડ્યું કે સીધા.

°°ગામ,

ઉપરોક્ત લખાણ અનાવિલો વિશે પણ credit ફક્ત અને ફક્ત બક્ષીબાબુ ને -હેતુ એટલોજ કે દરેક અનાવિલો ને આ જાણવા મળે.

લેખ -૨

વરિષ્ઠ પત્રકાર , લેખક શ્રી ધનંજયભાઈ દેસાઈ

લેખ -૩

લેખ-4

ડૉ. જયંત ટી.દેસાઈ -વલસાડ

અનાવિલ સન્નારીઓ અને સદ્દગૃહસ્થો,

અનાવિલોની ગઇકાલ, આજ અને આવતીકાલ અંગે ભૂતકાળમાં પણ મારા બે વિદ્વાન મિત્રો સાથે અમે online વાર્તાલાપ કરેલ. પરંતુ આ નવી website પર કોઇક લેખ રજુ કરવાનું આમંત્રંણ મળતાં ફરી આ જ મહત્વની બાબત સમગ્ર સમાજના વિચારવિમર્શ માટે સુધારા વધારા સાથે અત્રે પ્રસ્તુત કરું છું.

અનાવિલોની ઉત્પત્તિ, ઇતિહાસ, અનાવિલ મહાનુભાવો,અનાવિલોની ખુબીઓ અને ખામીઓ અંગેતો લેખન, વાંચન અને ચર્ચાઓ તો અવારનવાર થતાં જ રહે છે. ઇતિહાસ કે ભૂતકાળની સારી બાબતોની જાણકારી ગૌરવ અને પ્રેરણા માટે આવશ્યક છે અને નબળી બાબતોની જાણકારી સચેત રહેવા માટે અને સુધારણા માટે આવશ્યક છે. મારીદ્રષ્ટિએ ભૂતકાળ કરતાં પણ વર્તમાન અને ભવિષ્યનું ચિંતન વિશેષ મહત્વના છે. શ્રી. અંબેલાલ જી. દેસાઇ ( વલસાડ) એ દક્ષિણ ગુજરાતના અનાવિલો (૧૯૬૯) પુસ્તક લખેલ. તેનું અંગ્રેજીમાં ભાષાંતર શ્રી. હકૂમતભાઇ દેસાઇ તથા શ્રી. હરીશભાઇ દેસાઇ દ્વારા ૧૯૯૫ માં કરવામાં આવેલ. તે પુસ્તકનું પુન:લેખન ડો. ઇશ્વરચંદ્ર દેસાઇએ કરેલુ. વલસાડના શ્રીમતી બકુલાબેન દેસાઇ ઘાસવાલાએ “ પારણાથી પાલખી” પુસ્તક લખેલ. બિલ્લીમોરાના ડો. ભરતભાઇ દેસાઇ પણ પોતાના બ્લોગ પર અવારનવાર અનાવિલો વિશે લખતા રહે છે. જુના અનાવિલ પુકાર અને હાલના જય શુક્લેશ્વર સામાયિક દ્વારા પણ અનેક અનાવિલોએ ઘણું વાંચ્યુ જ હશે. ૧૯૯૭માં Social Transformation in India - Essays in honour of Prof. I.P.Desai- edited by Ghanshyam Shah ( Rawat Publication Jaipur) પ્રસિદ્ધ થયેલ. જેમાં Social Change and the marriage system of the anavil Brahmins of South Gujarat નામનો essay પ્રસિદ્ંધ થયેલ. વિશેષ આનંદ અને ગૌરવની બાબત તો એ છે કે પારસીઓની માફક નજીકના ભવિષ્યમાં લગભગ નામશેષ થવાની શક્યતા છે તેવી અનાવિલ જ્ઞાતિ અંગે વિદેશીઓએ પણ વિશેષ રસ દર્શાવેલ છે. જે પૈકી ઇન્ડોનેશિયામાં જન્મેલ અને નેધરલેન્ડમાં સ્થળાંતર પામેલ Amsterdam University ના Anthropology Department ના Associate Professor Klass William Van Der Veen ( 1930-2016) નામના સંશોધકે Hypergamy ( marring up of wealthy low caste woman with a man of higher caste but financially weak class) among Brahmin Families in Gujarat- India વિષય પર Ph.D. Research કરેલ અને ૧૯૬૯માં Doctoral Dissertation તૈયારકરેલ. અને ૧૯૭૦માં તેમનું પુસ્તક - I Give Thee My Daughter અને ૧૯૭૩માં A Study of Marriage and Hierarchy among Anavil Brahmins of South Gujarat પ્રસિદ્ધ થયેલ. તેમના Research Project for purely scientific purpose અને Field work ને નેધરલેન્ડની સંસ્થાએ નાણાકીય મદદ કરેલ અને વડોદરાની M.S. Uni. ના પ્રો. આઈ. પી. દેસાઇ અને પ્રો. એમ. બી. દેસાઇએ મદદ કરેલ. અલબત્ અત્રે જણાવેલ પુસ્તકો વિગેરેની યાદી સંપૂર્ણ નથી.

કોઇપણ સમાજના ભુતકાળ અને વર્તમાનકાળના હકારાત્મક અને નકારાત્મક બન્ને પાસા હોય. હકારાત્મક બાબતોને જાળવી રાખીએ અને નકારાત્મક બાબતોથી દુર રહીએ તો જ ભવિષ્ય ઉજ્વળ હોઇ શકે.

અનાવિલ સમાજના ભુતકાળની હકારાત્મક બાબતો -(૧) મોટી સંખ્યામાં ખેતીની જમીનો (૨) સંયુક્ત કુટુંબો (૩) કુશળ વ્યવસ્થાશક્તિને કારણે મોટા ભાગના ક્ષેત્રોમાં આધિપત્ય (૪) પરસ્પર આદર, લાગણી અને સંગઠન (૫) કરકસર, મહેનત , નિયમિતતા અને નીતિમત્તા (૬) મફત કે સસ્તું ગુણવત્તાયુક્ત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ (૭) માંસાહાર, દારુ, માવા વગેરેનું પ્રમાણ નહિંવત (૮) ગુણવત્તયુક્ત મર્યાદિત સસ્તુ મનોરંજન (૯) સાદો પૌષ્ટિક ખોરાક અને મહેનતને કારણે સારું સ્વાસ્થ્ય (૧૦) જાહેરજીવનમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ નહિંવત. (૧૧) લગ્નવિચ્છેદ નહિંવત (૧૨) શુદ્ધ પર્યાવરણ. (૧૩) સમયસર યુવકો યુવતીઓના લગ્ન.

ભૂતકાળની નકારાત્મક બાબતો- (૧) કુરિવાજો - બાળલગ્ન, દહેજ, વિધવા વિવાહનો પ્રતિબંધ (૨) ઉચ્ચ શિક્ષણ, મહિલા શિક્ષણ તથા મહિલા સ્વાતંત્ર્ય નહિંવત (૩) ભૌતિક સુવિધાઓનો અભાવ (૪) વધુ બાળકો (૫) સંગઠનો માટે પુરતા માધ્યમોનો અભાવ.

વર્તમાનની વાત કરીએ તો જણાશે કે ભૂતકાળની ઉપરોક્ત તમામ પાંચ નકારાત્મક બાબતો લગભગ નહિંવત થઇ ગઇ. પરંતુ દુખદ બાબત એ છે કે ભુતકાળની જે હકારાત્મક બાબતો હતી તે પણ લગભગ નષ્ટ થઇ રહી છે!

નવીન માહિતી, સંશોધનો, આવશ્યકતાઓ, અવલોકનો અને અનુકરણ વગેરે કારણોસર વ્યક્તિ અને સમાજના વિચારો અને જીવનશૈલીમાં પરિવર્તન એ સ્વાભાવિક પ્રક્રિયા છે. અમુક બાબતોને અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકારવી પડે. જ્ઞાતિવાદ અંગે ત્રણ અભિગમો જોવા મળે છે- (૧) કટ્ટર જ્ઞાતિવાદ (૨) જ્ઞાતિવાદનો કટ્ટર વિરોધ અને (૩) મધ્યમ અભિગમ.

વૈશ્વિકરણ, વસુધૈવ કુટુંબકમ, ભારતીય રાજ્યબંધારણ, માનવાધિકાર વગેરે જ્ઞાતિવાદને પુષ્ટિ આપતાં નથી. પરંતુ દુખદ વાસ્તવિકતા એ છે કે પંચાયતથી પાર્લામેન્ટની ચુંટણીઓમાં કટ્ટર જ્ઞાતિવાદ જોવા મળે છે. અને લગ્ન કે જેના દ્વારા યુગલના બન્ને પરિવારો આજીવન જોડાય છે તેમાં જ્ઞાતિપ્રથાને દિનપ્રતિદિન તિલાંજલિ આપવામાં આવી રહી છે! અલબત્ત તેના અનેક કારણો છે- જેવા કે અભ્યાસ કે નોકરી દરમ્યાન મોટા શહેરોમાં યુવક યુવતીઓના સંપર્કો, અપેક્ષાઓ અને વિચારોની સામ્યતાની બાબત વગેરે. આપણું બંધારણ અને અન્ય કાયદાઓ પણ પુખ્ત વયના યુવકો અને યુવતીઓને પોતાની પસંદગી મુજબના પાત્રો સાથે લગ્ન કરવાની પરવાનગી આપે છે. જ્ઞાતિઓમાં જ લગ્ન કરવાની માન્યતા પાછળનો તર્ક માત્ર એ જ છે કે બન્ને પાત્રો ના પરિવારોમાં સરખા વાતાવરણ, રિવાજો , ટેવો, અપેક્ષાઓ વગેરેને કારણે અનુકુલનમાં સરળતા રહે.

દીર્ધદ્રષ્ટિ, મહેનત, ધીરજ, આયોજન અને કરકસરનાં અભાવે તથા સામાજિક પ્રસંગોમાં શક્તિ બહારના ખર્ચાઓને કારણે અનેક અનાવિલ પરિવારો જમીનવિહોણા થયા. જમીનનું સંકટ સમયની સાંકળ તરીકે મહત્વ છે. સંવેદનશીલ યુવાનોને તાત્કાલિક નોકરી ન મળે અથવા ગુમાવે કે પુરતી આવક ન હોય ત્યારે ડીપ્રેસનનો ભોગ ન બને કે આપઘાત જેવું પગલું ભરવા ન પ્રેરાય કે અનીતિને માર્ગે ધન મેળવવા પ્રયાસો ન કરે.

જ્ઞાતિમાં યોગ્ય સંપ તેમજ સંકલનનો અભાવ, મોટી ઉંમરે લગ્નો, આંતરજ્ઞાતીય તથા આંતરરાષ્ટ્રીય લગ્નો, નોકરી ધંધાર્થે વિદેશોમાં કે અન્ય રાજ્યોમાં કાયમી વસવાટ, ૭૫ વર્ષ જુની જ્ઞાતિ આધારિત અનામત પ્રથા, સ્થાનિક યોગ્ય વેતનવાળી નોકરીનો અભાવ, ભ્રષ્ટાચાર , અમુક નેતાઓની રાજકારણ દ્વારા અંગત લાભો મેળવવાની વૃત્તિ વગેરેને કારણે લોકશાહીતંત્રમાં બહુમતિના અભાવે મોટાભાગના ક્ષેત્રોમાં આધિપત્ય ગુમાવ્યું છે. એકતા અને સંગઠન ઉપરછલ્લાં જ અથવા નહિંવત છે. રાજકારણીઓ ચુંટણી સમયે કહેવાતા અગ્રણીઓ દ્વારા ગેરલાભ મેળવે છે. આજે બેરોજગારી વધી રહી છે, ફુગાવાની અસરો તમામને વધતીઓછી અસર કરી રહી છે, નવી પેઢીને નિવૃત્તિના લાભો બંધ થઇ રહ્યા છે, પુરતા વેતનો નથી મળતા, નોકરીની સલામતિ પણનથી , શિક્ષણ ખર્ચાળ બની રહેલ છે, મકાનો, વાહનો વગેરેની કિંમતો વધી રહી છે ત્યારે આજના યુવાનો માટે નોકરી અને વડીલોપાર્જિત ખેતી બન્ને સાચવવાનો પડકાર છે. તે જ રીતે યુવતીઓ માટે પણ નોકરી સાથે પારિવારિક જવાબદારીઓ સંભાળવાનો પડકાર છે. જેથી દીર્ઘ દ્રષ્ટિ, આયોજન અને કરકસર મહત્વના છે અને સાથે સાથે રાજકીય ગતિવિધિઓ પણ સમજતા રહેવું પડશે અને જરુર પડ્યે જાગૃત અને સક્રિય થવું પડશે કારણકે શિક્ષણ, વહીવટ, અર્થતંત્ર વગેરે અંગે લેવાતા પગલાં વર્તમાન અને ભવિષ્યને દુરોગામી અસર કરતાં હોય છે. એક અનાવિલ જો સ્વાર્થ, બેદરકારી અને ડર છોડીને ધારે તો હજારો લોકોને જાગૃત અને સક્રિય કરી શકે.

મેં સમગ્ર સમાજના વ્યવસ્થિત સર્વેનું સુચન કરેલ જેનાથી કુલ વસતિ, પરિવારોના સભ્યોની સંખ્યા, પરણિત/ અપરણિત, શૈક્ષણિક લાયકાત, નોકરી/ ધંધાની વિગત, આશરે આવક/ મિલ્કત વગેરેનો અંદાજ આવી શકે જે ભવિષ્યમાં અનેક હેતુઓ માટે ઉપયોગી થઇ શકે. પરંતુ કોઇપણ અનાવિલ સંસ્થાના હોદ્દેદારોએ રસ નહીં દર્શાવેલ. જે અનાવિલો પૈસાપાત્ર જણાય તે પૈકી જે મહેનત, પ્રમાણિકતા અને કરકસરથી કમાયેલ હોય અને આવકવેરા વર્ષોથી ભરતા હોય તે ભૌતિક સુવિધાઓ માટે મોટા દાનો ન આપે. જે અનાવિલો સત્તાપક્ષ સાથે વધુ નજીકથી સંકળાયેલ હોય તેઓએ રજુઆત કરવી જોઇએ કે જે રીતે રાજકીય પક્ષોને અપાતા દાનની ૧૦૦% રકમ આવકવેરામાંથી રાહતને પાત્ર છે તે જ રીતે સમાજને અપાતા દાનો પણ આવરવેરામાંથી ૧૦૦% રાહતને પાત્ર જાહેર કરવા જોઇએ તો સમાજને વિશેષ દાનો મળી શકે. અને તેનો લાભ મધ્યમ કે ગરીબ અનાવિલ પરિવારોને મળી શકે. સમાજની વિવિધ સમસ્યાઓ અંગે સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તજજ્ઞોના સહયોગથી કાઉન્સેલીંગનું આયોજન કરી શકે.

ભવિષ્યની વાત તો અનુમાનનો વિષય બની શકે. પરંતુ કોઇપણ વ્યક્તિ કે સમાજના ભવિષ્યનો આધાર મહદ્ અંશે તેના વર્તમાન પર આધાર રાખે છે. જો વર્તમાનમાં આવશ્યક કાળજીઓ રાખવામાં આવે જેવી કે કરકસર, મહેનત, ધીરજ, આયોજન, દ્ઢ મનોબળ, પારિવારિક મજબુત સાંકળ, બાળકોને ઉચ્ચ શિક્ષણ અને સંસ્કાર, નૈતિકતા , વ્યસનમુક્તિ વગેરે તો ભવિષ્ય ઉજ્જવળ બને.

ડો. જયંત ટી. દેસાઇ

ભૂતપૂર્વ અધ્યક્ષ, કાનૂન વિદ્યાશાખા, વીર નર્મદ દ.ગુ. યુનિ. સુરત

ભૂતપૂર્વ આચાર્ય, શાહ કે. એમ. લો કોલેજ , વલસાડ