મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.
પ્રખ્યાત લેખક શ્રી અંકિત દેસાઈ દ્વારા -ankitdesaivapi@gmail.com

કે હોજી તારા બફાણાં વખાણું, કે પછી ભરેલા મરચા વખાણું...
- અંકિત દેસાઈ
નોળિનેમ અથવા નોરિનેમ આખા ગુજરાતમાં ઉજવાય છે કે નહીં એ વિશે ઝાઝી ખબર નથી અને ઉજવાતી હોય તો નોળિનેમને દિવસે વરડું અથવા વૈળું ખવાય છે કે નહીં એ પણ ખબર નથી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં શ્રાવણમાસમાં ઉજવાતા 'વારિયા- તારિયા'માં નોળિનેમનું વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે લગભગ આખાય દક્ષિણ ગુજરાતમાં વરડું અથવા વૈળું ખવાય છે. એ પણ દિલથી! પેટ ભરીને, ગળા સુધી!
બહેનો એ દિવસે નોળિયાની સ્થાપના કરીને તેનું પૂજન કરતી હોય છે અને એ દિવસે ઉપવાસ પણ રાખતી હોય છે. પરંતુ જે પાર્ટમાં આપણને પર્સનલી ખૂબ રસ છે તે પાર્ટ છે વાલ, વટાણા, ચણા કે મગ જેવા નવેક જાતના કઠોળને મિક્સ કરીને તૈયાર કરાતા વરડુંનો!
આ વરડું તળપદી ભાષામાં વૈળું (વ્હીળું) પણ બોલાય છે, જે આમ તો વર્ષમાં બે-ચાર વાર સાંજના મેન્યુમાં હોય જ છે, પરંતુ નોળિનેમને દિવસે એ જરા જુદી રીતે તૈયાર કરાય છે. એઝ પર માય માવડી મમતાબેન'ઝ રેસિપી આ વરડુંમાં નવજાતના ફણગાવેલા કઠોળને માત્ર લાલ મરચા, લસણ અને હિંગ નાંખીને બાફવામાં આવે છે. એમાંય પાછું આ દિવસે વિશેષ ધ્યાન રખાય કે આખા લાલ મરચા અને લસણનાં હાથથી ઝીણા ઝીણા ટુકડા કરવામાં આવ્યા હોય. આટલો મસાલો થાય એટલે પછી તેને બાફી નાંખવામાં આવે અને ચડી જાય પછી એના પર જેને જે રીતે જોઈતું હોય એ રીતે તેલ નાંખીને વરડુંને ઝાપટે.
વરડુંની મુખ્ય ખાસિયત એ કે નોળિનેમને દિવસે જ્યારે વરડું થાળીમાં પીરસાય ત્યારે તેની અદબ જળવાય રહે એ માટે થાળીમાં બીજી કેટલીક વાનગીઓને વિશેષ સ્થાન આપવામાં આવતું હોય છે, જેથી વરડુંનો દબદબો જળબાઈ રહે. વિશેષરૂપે પીરસાતી એ વાનગીઓ એટલે લૂણેલી મસાલેદાર કાકડી, બફાણું, ભરેલા મરચા, ઝીણા કાપેલા લીલા મરચા, પામચુ અને વાટકો ભરી દૂધ... અમુક વાનગીઓમાં કુટુંબો કે વિસ્તારો પ્રમાણે વેરિએશન કે વધઘટ આવતા રહે અને કેટલાક લોકો આ દિવસે વિશેષરૂપે કેળના પાન પર જ વરડું જમતા હોય છે. પરંતુ વરડુંની સાથે આટલી બેઝિક વાનગીઓ લગભગ બધે જ હોય છે.
વરડું સાથે ખવાતા રોટલામાં પણ વિસ્તાર અને જ્ઞાતિઓ પ્રમાણે ફેરફાર હોય છે. અનાવલા વરડું સાથે માત્ર ચોખાના રોટલા ખાય તો અમુક લોકો જુવારના રોટલા ખાય. આ દિવસ પાછો એવો કે આખું વર્ષ રોટલી કે ભાખરી ખાનારાઓ પણ આ દિવસે તો રોટલો જ જમે, કારણ કે ભાખરી ને રોટલી કંઈ વરડા સાથે થોડી શોભે?
બસ પછી શું? આટલી વાનગીઓ તૈયાર હોય તો માત્ર થાળી પીરસાવાને જ વાર હોય! એક વાર થાળી પીરસાય જાય અને જમવૈયો જમવા બેસી જાય અને એમાંય જો વરડું, બફાણું અને ભરેલા મરચા જરા ઍક્સ્ટ્રાઑર્ડિનરી થયા હોય તો પછી રોટલાનો હિસાબ રોટલા ટીપનાર રાખે તો ઠીક, બાકી જમવૈયા પાસે છ ખાધા કે સાત ખાધા એવો કોઈ હિસાબ ન હોય! એ તો બસ 'બો ટોપ...', 'મસ્ત થેલું...' કરતો જાય ને વરડું પર જોઈએ એટલું ઉપરથી તેલ નાંખતો જાય... રોટલા અને વરડાનો કોળિયો મોંમા ઉતારતો જાય.. દૂધના ઘૂટડાં ભરતો જાય અને વચ્ચે વચ્ચે ચપટીક બફાણું, જરા કાકડીનો ટુકડો, આંગણીને ટેરવે જરા ભરેલા મરચાનો મસાલો કે પામચી કેરીનું નાનકડું બટકું જીભે લગાડીને ચૌદ ભુવનનો શ્રેષ્ઠ સ્વાદ માત્ર એક જ ભાણામાં માણતો જાય!
આયમ શ્યોર કે કોઈ પણ ફૂડ લવર્સે અથવા ગુજરાતીએ વરડું તો ખાધું જ હશે. સામાન્ય દિવસોમાં પણ એ તો બધે જ મળે છે. પરંતુ પરંપરાગત રીતે નોળિનેમના રિચ્યુઅલ્સ અને વેરાઈટીઝ સાથેનું વરડું કદાચ ઘણાએ માણ્યું નહીં હોય. અને જો ન માણ્યું હોય તો વહેલી તકે અમારા અથવા કોઈ પણ દક્ષિણ ગુજરાતના લોકોને ત્યાં મહેમાન બનીને ફરમાયેશ કરો. કારણ કે ફૂડ લવર થઈને નોળિનેમનું વરડું નહીં ખાઓ તો મજા નહીં આવે!
- અંકિત દેસાઈ

લેખ -1 શ્રી અંકિત દેસાઈ

લેખ-૨ - શ્રી અંકિત દેસાઈ
નવેમ્બર પતવા આવે ત્યારથી છેક માર્ચ સુધી અમારા પારડી તાલુકાના અનાવિલો એકબીજાને ગ્રીટ કરતી વખતે 'કેમ છો?' તો પૂછે જ, પરંતુ સાથે 'બજારમાં વાલ આઈવા કેની?', 'તમે વાલ ખાધા કેની?' કે 'વાલના હૂ ભાવ છે?' એવું સહજ રીતે પૂછતા હોય છે. અરે, અમને તો વાલ ત્યાં સુધી વહાલા કે કોઈક વૃદ્ધ દિવસોથી પથારીવશ હોય તો અમે એ વૃદ્ધની તબિયતની તપાસ પણ વાલના સંદર્ભે કરીએ! અમે પૂછીએ, 'ડોહલો આ વખતે વાલ ખાઈને જહે કે ?'
કારણ કે કોઈના ચર્તુમાસ હોય કે કોઈ કેરીગાળો કરે એમ આ મહિનાઓમાં પારડી તાલુકાના અનાવિલોનો 'વાલગાળો' હોય. આ સમયમાં લગભગ અઠવાડિયામાં ત્રણેક સાંજે અનાવલાને વાલનું શાક ને રોટલાં જોઈએ જ. પણ એ ઓછું હોય એમ વાલના જ ઉબાડીયા ને વાલના જ ઢેખરા પણ જોઈએ...
આ વાલ એટલે કડવા વાલ અથવા તો લાલ વાલ... જે નવેમ્બરના સેકન્ડ હાફથી માર્ચના ફર્સ્ટ હાફ સુધી માર્કેટમાં આવે અને ત્રણસો રૂપિયે કિલોથી શરૂ થતા વાલ પચાસ રૂપિયે કિલો થાય ત્યાં સુધી અનાવિલા એને પેટ ભરીને ઝાપટે... શિયાળાની કડકડતી ઠંડીમાં વાલ તો જાણે રોજ સવારે વહેલા ઊઠવાનું મોટિવેશન બની જાય... કારણ કે જાન્યુઆરી સુધી તો સવારે દસ વાગે ત્યાં સુધીમાં બજારમાંથી સારા વાલ ઊંચકાઈ ગયા હોય... અમારી વાલપ્રીતિ પાછી એવી કે અમે સુરત-મુંબઈના સ્વાદ રસિયાઓને પણ વટલાવવાનો પ્રયત્ન કરીએ કે 'ભાઈ, હાઈવે પર શું આ ઉબાડીયા ખાઓ? એ કંઈ ઉબાડીયા થોડા કહેવાય? એ કંઈ વાલના થોડાં થાય? ઉબાડીયા તો વાલના થાય...વાલના ઉબાડીયા એક વાર ખાઈ જૂઓ તો ખબર પડે... બાકી, તમે જે ખાઓ છો એ તો બાફેલા શક્કરિયા અને બટાકા જ...'
ખૈર, આપણે ત્યાં મોસમના પહેલાં વાલ આવી પહોંચ્યા છે. હજુ કૂમળા છે અને થોડા લાલ અને સફેદ વાલ મિક્સ આવશે. પરંતુ ડિસેમ્બર બેસશે ત્યાં સુધીમાં લાલ ચટક વાલ પણ હાજરાહજૂર... પણ આજથી અમારે તો જાણે મોસમ બેઠી. હવે રોજ લાલ વાલનું રિંગણ સાથેનું શાક, ચોખાના રોટલા, દૂધ, ધાણા-ફૂદીનાની ઉપરથી તેલ રેડેલી ચટણી અને ચોખાની પાપડી એ અમારું ડાયેટ... લોકોએ જે ખાવું હોય એ ખાય... અમે તો અઠવાડિયામાં ત્રણેક વાર વાલ જ ખાઈશું... હા, વચ્ચે ઉબાડીયા થતાં રહેશે... મુંબઈ- અમદાવાદ- રાજકોટના મિત્રોને ઉબાડીયા માટેના નોતરા ય થઈ ગયા છે... અને ક્યારેક બ્રેક લેવો હશે તો ગરવણું અને વાલના ઢેખરા કરીશું... પણ વાલ વિના હવે કોઈ વાત નહીં...
સૌને વાલ મુબારક...
- અંકિત દેસાઈ

લેખ -૩ શ્રી અંકિત દેસાઈ
અમારી પારડી વિધાનસભાનું સૌભાગ્ય છે કે અમારા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ રાજ્યના નાણામંત્રી બન્યા. સાથે જ અમારા અનાવિલ સમાજનું પણ આ ગૌરવ છે, જ્યાં શ્રી કનુભાઈ દેસાઈ જ્ઞાતિના સંખ્યાબળથી નહીં, પણ તેમના મેરીટ પર રાજ્યના નાણામંત્રી બન્યા. વળી, સુંદર જોગાનુજોગ એ પણ હતો કે અત્યાર સુધી દેશના સૌથી વધુ બજેટ શ્રી મોરારજી દેસાઈએ આપ્યા છે. એટલે પારડી વિધાનસભાના મતદાતા તરીકે કે અનાવિલ તરીકે મને પણ ભારોભાર ગર્વ થાય એ સ્વાભાવિક છે. એટલે શ્રી કનુભાઈ દેસાઈ નાણાંમંત્રી બન્યા હતા ત્યારથી મનમાં કોડ હતા કે તેઓ વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરતા હોય ત્યારે એમને નિહાળવા !
એમાં આ વર્ષે કંઈ નસીબ સબળ હશે એટલે ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરુ થયું ત્યારે હું ગાંધીનગર જઈને નિરાંતે બજેટ નિહાળી શકું એવા યોગ સર્જાયા. પણ મનમાં થયું કે જો તક સાંપડે તો નાણાંમંત્રી બજેટ આપે એ પહેલાં એમને પોંખું. એટલે સાહેબને એક નાનકડો મેસેજ છોડીને ઈચ્છા વ્યક્ત કરી. ત્યાં તો ધડીભરમાં એમણે પરવાનગી અને સમય આપ્યા. અને આજે સવારે સામેથી કોલ કરીને પૃછા કરી કે તમે ક્યાં પહોંચ્યા? હું તો આમેય એમના નિવાસસ્થાને જવા નીકળી ગયેલો, પણ રાજ્યના નાણામંત્રી રાજ્યનું બજેટ આપતા પહેલાં ય આવી નાની વાતને યાદ રાખે એ બાબત અત્યંત સ્પર્શી ગઈ મને. આખરે આખા રાજ્યના મીડિયાની અને લોકોની એમના પર નજર હતી. ગુજરાતની તમામ મોટી ન્યૂઝ ચેનલ્સ પર તેમના ફોટોગ્રાફ્સ બ્લિન્ક થઈ રહ્યા હતા. ત્યાં એમને વળી કોઈ એક માણસનો નાનકડો મેસેજ ક્યાં યાદ હોય ?
પણ નહીં, એમણે સામેથી અપડેટ લીધી અને હમ્બલી પૂચ્છયું કે ક્યાં પહોંચ્યા ? …બસ પછી તો હું તેમના નિવાસસ્થાને પહોંચ્યો અને તેમને કંકુ- ચોખા અને નાળિયેરથી પોખ્યા. સાથે જ શુકનનો સવા રુપિયો પણ આપ્યો.
ગાંધીનગરની આ ભાગદોડમાં સેક્શન ઓફિસર અને મિત્ર કુણાલ ગઢવી પણ સારથી બનીને મને અહીંથી તહીં પહોંચાડતો હતો. એટલે એ ય સાથે જ હતો. નાણામંત્રીને સવા રુપિયો અને શુકનનું નાળિયેર આપીને આવ્યા પછી કુણાલે એક સરસ વાત કરી. મને કહે, ‘આપણી સંસ્કૃતિ કેવી સુંદર છે. આખા રાજ્યનું ત્રણ લાખ કરોડનું બજેટ આપવા જાય છે એ વ્યક્તિને આપણે સવા રુપિયો આપીને શુકન કરીએ છીએ…’ એની વાત પણ સાચી !
જોકે પારડી વિધાનસભાના મતદાતા અને અનાવિલ તરીકે મને ભારોભાર ગર્વ હતો કે રાજ્યનું બજેટ રજૂ થાય એ પહેલાં મને નાણાંમંત્રીને પોંખવાનું સૌભાગ્ય સાંપડ્યું. આપણી મહાન લોકતાંત્રિક વ્યવસ્થાની એક મહત્ત્વની જવાબદારીમાં આ રીતે પરોક્ષ હાજરી પુરાવવાની તક મળી ત્યારે છેલ્લે મેં ઝૂકીને શ્રી કનુભાઈને કહ્યું, ‘હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપણું રાજ્ય હંમેશાં સમૃદ્ધ રહે. અને ભારતનું લોકતંત્ર અમર રહે.’

લેખ-૪ - શ્રી અંકિત દેસાઈ
આજે નારાયણ દેસાઈની પૂણ્યતિથિ છે ત્યારે મેં તેમના વિશે સાંભળેલા બે કિસ્સા શેર કરવા છે.
***
પૂર્વગ્રહ નહીં પણ દૃઢ આગ્રહ
પહેલો કિસ્સો છે આપણી ભાષાના જાણીતા લેખિકા વર્ષા અડાલજાની સાથેનો. વર્ષા અડાલજાની નવલકથા ‘અણસાર’ને વર્ષ ૧૯૯૬નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ એનાયત થયેલો. એ વર્ષે અકાદમીમાં ગુજરાતી વિભાગની પેનલમાં નારાયણ દેસાઈ પણ નિર્ણાયક તરીકે હતા. નિર્ણાયક તરીકે તેમણે તેમની સામે રજૂ થયેલા પુસ્તકોને મુલવીને પોતાનો મત રજૂ કરવાનો હતો, પરંતુ વિટંબણા એ હતી કે વર્ષાબહેનનું પુસ્તક ‘અણસાર’ એવોર્ડ માટેની છેલ્લી યાદીની સૂચિમાં હતું, પરંતુ પુસ્તકની કોપી નારાયણભાઈ પાસે પહોંચી નહોતી. કેમ? તો કે વર્ષાબહેનની લોકપ્રિયતા એવી કે આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત થયેલું પુસ્તક આઉટ ઑફ પ્રિન્ટ હતું!
સૂચિમાં નામ હતું અને પુસ્તક હાજર નહોતું એટલે એવું તો ન જ બને કે નારાયણભાઈ પુસ્તકને એવોર્ડ માટે ગણતરીમાં લે. પરંતુ તેમણે અકાદમીને ટકોર કરી કે જો પુસ્તક અંતિમ સૂચિમાં મૂકવું યોગ્ય લાગ્યું તો પુસ્તકની કૉપી કેમ ન મેળવી શકાઈ? એટલે નારાયણભાઈએ સૂચિમાંના એ પુસ્તક પર કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપવાનો નનૈયો ભણી દીધો. કે ક્યાં તો પુસ્તક લાવો અથવા એનું નામ સૂચિમાંથી કમી કરો! જોકે એવું પણ નહીં હોય કે નારાયણભાઈ તેમના સમયનાં લોકપ્રિય સર્જકના નામ અને કામથી પરિચિત નહીં હોય. પરંતુ નિયમ એટલે નિયમનું જે ઉદાહરણ નારાયણભાઈએ આપ્યું હતું એ અપ્રતિમ હતું.
આખરે બન્યું એવું કે નારણભાઈએ એ વર્ષની સૂચિમાં શોર્ટ લિસ્ટ કરાયેલા પુસ્તકો માટે નિર્ણય આપવાનો હતો એ પહેલાં મોડી રાત્રે અમદાવાદની કોઈ લાયબ્રેરી ખોલાવવામાં આવેલી અને નારાયણભાઈ સમક્ષ ‘અણસાર’ રજૂ કરવામાં આવેલું. અને બન્યું એ કે પુસ્તક વાંચ્યા પછી તેમણે વિશેષ રિમાર્ક્સ આપેલી આપેલી કે આ વર્ષે આ પુસ્તક જ અકાદમીનો પુરસ્કાર ડિઝર્વ કરે છે.
મજાની વાત એ છે કે નારાયણભાઈએ આ આખો કિસ્સો ત્યાં સુધી ગુપ્ત રાખ્યો હતો, જ્યાં સુધી ટેલિવિઝન પરથી એ જાહેરાત ન થઈ કે વર્ષા અડાલજાને ‘અણસાર’ નવલકથા માટે અકાદમી પુરસ્કાર મળ્યો છે. જાહેરાત થતાં જ તેમણે બીજા દિવસે વર્ષાબહેનને ફોન કરીને અભિનંદન પાઠવેલા કે સારું થયું તમારું પુસ્તક મને છેલ્લી ઘડીએ વાંચવા મળ્યું, નહીંતર એક સારું પુસ્તક પુરસ્કારથી દૂર રહેત.
પછી તો ગાંધી જયંતિ નિમિત્તે જે શાંતિયાત્રાઓ નીકળતી એમાં પણ નારાયણભાઈ ‘અણસાર’ વિશે વિગતે બોલતા. એ વિશે પાછળથી વર્ષા બહેનને જાણ થઈ કે નારાયણભાઈ ‘અણસાર’ વિશે કશુંક બોલ્યા છે તો તેમણે પત્ર લખીને નારાયણભાઈને મીઠી ફરિયાદ કરી કે ‘મને કઈ રીતે ખબર પડે કે તમે ‘અણસાર’ વિશે શું બોલ્યા છો?’ તો વર્ષાબહેનના પત્રના જવાબમાં નારાયણ દેસાઈએ એક મજાનો લેખ લખીને મોકલ્યો, જે લેખને અણાસારની ત્યાર પછીની તમામ રિપ્રિન્ટ્સમાં પહેલે પાને પ્રકાશિત કરવામાં આવે છે, જે અહીં આ સ્ટેટ્સની સાથે ફોટોગ્રાફ્સમાં મૂકવામાં આવી છે.
આ કિસ્સો પહેલી નજરે બહુ સામાન્ય લાગે, પરંતુ નારાયણભાઈની દૃઢતા અને સાહિત્યકાર કે નિર્ણાયક તરીકેની પોતાની સત્યપ્રિયતા અસામાન્ય કક્ષાની છે. આવા આગ્રહો કંઈ આજના સમયમાં જોવા ન મળે. એટલે જ આ કિસ્સો મને અંગતરીતે ગમી ગયો છે.
***
રાખડીનો રખોપો
તો બીજો કિસ્સો છે થોડા દિવસો પહેલાં જ રાષ્ટ્રપતિ સન્માનથી સન્માનિત થયેલા નિરંજનાબેન કલાર્થીનો.
નિરંજનાબેન બાળપણમાં નારાયણભાઈની શાળામાં, વેડછી ત્રણ વર્ષ સુધી ભણ્યાં હતાં. વળી, નારાયણભાઈના બા દુર્ગાબહેન પણ સમયાંતરે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે આવતાં- જતાં રહેતાં. આ કારણે નિરંજનાબહેન નારાયણભાઈને બાળપણથી રાખડી બાંધતાં અને તેમની વચ્ચે મોટાભાઈ અને નાની બહેનનો સંબંધ. દરેક રક્ષાબંધન પર નારાયણભાઈને રાખડી બાંધવાનો નિયમ એવો સજ્જડ કે દેશભરમાં નારાયણભાઈ ક્યાંય પણ ફરતા હોય તો નિરંજનાબેન તેમની ભાળ મેળવી લેતા અને તેમના સરનામે રાખડી મોકલી આપતા.
પણ મુકુલ કલાર્થી સાથે લગ્ન કર્યા પછી નિરંજનાબહેન મુંબઈ રહેવા આવી ગયેલાં. મુંબઈનો એમનો શરૂઆતનો વસવાટ થોડા સંઘર્ષોથી ભર્યો હતો અને જીવનમાં કહો તો જીવનમાં અને ઘરમાં કહો તો ઘરમાં બધુ અસ્તવ્યસ્ત હતું. એટલે એક રક્ષાબંધન પર નિરંજનાબહેનને એટલી ખબર પડી કે નારાયણભાઈ આ વર્ષે બનારસમાં જ છે. પરંતુ બનારસમાં તેઓ ક્યાં રહે છે એ વિશે કોઈ જાણકારી નહીં.
બીજી તરફ ઘરના સભ્યો સાથે એવો કોઈ સંપર્ક નહીં કે તેમની પાસે નારાયણભાઈનું બનારસનું સરનામું મેળવી શકાય. પણ રાખડી તો મોકલવી જ હતી. એવામાં નિરંજનાબહેનને યાદ આવ્યું કે તેમણે એક વાર ગાંધીજીની ટપાલોના પ્રદર્શનમાં જોયેલું કે કોઈકે એવું સરનામું લખેલું, ‘મહાત્મા ગાંધી, જહાં હો વહાં…’
એટલે તે સમયે તેમણે પણ વિચાર્યું કે આમેય આ વર્ષે નારાયણભાઈને રાખડી પહોંચે એમ લાગતું તો નથી. તો પછી પેલો તુક્કો મારવામાં શું જાય? એટલે તેમણે રાખડીનું પરબીડીયું તૈયાર કર્યું અને હિન્દીમાં કંઈક આવું સરનામું કર્યું,
નારાયણ દેસાઈ,
ભુદાન સેવક
જહાં હો વહાં
બનારસ
ને ટપાલીના મનમાં કંઈ રામ વસ્યો હશે તે તેણે આવા કાચા સરનામા વિના, આવડા મોટા બનારસમાં રક્ષાબંધનના એક દિવસ પહેલાં નારાયણભાઈને ટપાલ પહોંચાડી. જોકે ત્યારે ભૂદાન ચળવળમાં નારાયણભાઈએ દેશભરમાં નક્કર કામ કર્યું હતું. એટલે ભૂદાન સેવક તરીકે તેમની આગવી ઓળખ હતી. એટલે પણ ટપાલીને સરળતા રહી હશે. અથવા તો નારાયણભાઈ જેવા એક આખી સંસ્થાસમા વ્યક્તિ જ્યાં જતા હોય ત્યાં ટપાલોના પણ ખડકલા વધુ થતાં હશે. પરંતુ નિરંજનાબહેનનો તુક્કો તીર બનીને બનારસ પહોંચ્યો હતો.
તો આ તરફ નારાયણભાઈ પાસે નિરંજનાબહેનનો મુંબઈનો નંબર હતો અથવા તો તેમણે ક્યાંકથી મેળવ્યો હશે, પરંતુ રક્ષાબંધનને દિવસે સવારે જ તેમણે નિરંજનાબહેનને ફોન કર્યો કે, ‘નાની, તારી રાખડી મને મળી ગઈ છે અને મેં એ બાંધી દીધી છે. હવે તું પણ આનંદમાં રહેજે અને હું પણ આનંદમાં છું.’
અગેઈન અહીં એક તરફ વ્હોટ્સેપ પર બ્લ્યુટીકના જમાનામાં અને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને મોબાઈલના જમાનામાં કેટલાક સંબંધોનું મૂલ્ય કરવામાં આપણે થાપ ખાઈ જઈએ છીએ કે સમયે સમયે અમુક નાની પૂછપરછ કે માત્ર હૂંફ આપવાનું ચૂકી જઈએ છીએ ત્યારે કોમ્યુનિકેશનના ટાંચા સાધનો હતા ત્યારે લોકો સંબંધનો કેવો આદર કરતા?
આ બંને કિસ્સા એ નારાયણ દેસાઈના છે, જે નારાયણભાઈની છાપ કેટલાય લોકોમાં કડક નારાયણભાઈની છે. તો કેટલાક લોકો નારાયણભાઈને માત્ર લેખક કે ગાંધી સાહિત્યના અભ્યાસુ તરીકે ઓળખે છે. પરંતુ પોતાને સોંપાયેલી જવાબદારી (વર્ષાબહેનનો કિસ્સો) કે પોતાના સંબંધોનો આદર કરવામાં (નિરંજનાબહેનનો કિસ્સો) તેઓ કેવા અવ્વલ હતા એ પણ આજના દિવસે જાણવું – માણવું રહ્યું.
મુઠ્ઠી ઉંચેરા એ માનવીને પૂણ્યતિથિએ વંદન

ઓ_મોરારજી
આજે ૧૯ ડિસેમ્બરે ગોવા, દમણ અને દીવનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે મોરારજી દેસાઈનો આ સ્વાતંત્ર્ય સાથે એક યુનિક સંબંધ જોડાયેલો છે એ વિશે રસપ્રદ વાત જોઈએ. ગોવા, દમણ અને દીવને ૧૯૬૧માં પોર્ટુગીઝોથી સ્વાતંત્ર્ય મળ્યું હતું અને એ વર્ષોમાં મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરુની કેબિનેટમાં નાણાં મંત્રી તરીકેનો હોદ્દો ભોગવતા હતા.
નહેરુએ મોરારજીને વર્ષ ૧૯૫૬માં મુંબઈથી દિલ્હી બોલાવી લીધા હતા અને શરૂઆતમાં મોરારજીભાઈને કેબિનેટમાં નંબર ફોર પર રાખી મિનિસ્ટર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તરીકેનો હોદ્દો અપાયો હતો. પરંતુ બીજા જ વર્ષે ૧૯૫૭માં આઝાદ ભારતના પહેલાં કૌભાંડ તરીકે લેખાતું મુન્ધ્રા કૌંભાડ સંસદમાં ગાજ્યું હતું. મજાની વાત એ છે કે મુન્ધ્રા કૌભાંડ બીજા કોઈએ નહીં, પરંતુ નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ ગજવ્યું હતું, જેને પગલે તત્કાલિન નાણાંમંત્રી કૃષ્ણામાચારી ભ્રષ્ટાચારના દોષી પૂરવાર થયા અને તેમણે રાજીનામુ આપવું પડ્યું હતું. છેલ્લે થયું એમ કે નહેરુએ મોરારજી દેસાઈને નાણાંમંત્રી બનવા પહેલાં આગ્રહ પછી દબાણ કર્યું, જેને પગલે મોરારજીને નામે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વનો રેકોર્ડ નોંધાયો. એ રેકોર્ડ એટલે સંસદમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ!
આપણે વાત કરવી હતી ગોવા, દમણ અને દીવના સ્વાતંત્ર્યની. આઝાદી પછી વિભાજન અને રમખાણોની ઉથલપાથલ પછી ભારત સરકારે સહેજ ઠરીઠામ થઈ પછી ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના કબ્જા હેઠળના પ્રદેશો મુક્ત કરાવવા માટે સમયાંતરે વાતાઘાટો ચલાવી હતી. ફ્રેન્ચો તો માની ગયા અને પોતાના પ્રદેશો ભારતને સુપરત કરીને રવાના થયા, પરંતુ પોર્ટુગીઝો ટસના મસ થતા નહોતા. અલબત્ત, પોર્ટુગીઝોના એ પ્રદેશોમાં લોક આંદોલનો થઈ રહ્યા હતા અને ત્યાંની સરકારના નાકે દમ લાવી દેવાયો હતો. પણ તોયે સત્ય એ હતું કે ભારત આઝાદ થયે ચૌદ વર્ષો થઈ ગયા હતા તોય ભારતના જ કેટલાક ભૌગોલિક ભાગો આઝાદ નહોતા.
એ સમય પાછો ગાંધીવાદી મૂલ્યોનો હતો. વળી ભારત પોતે સ્વતંત્ર રાષ્ટ્ર્ર તરીકે વિકસી રહ્યું હતું. એટલે લશ્કરી કાર્યવાહી કરવા બાબતે દેશમાં તો ઠીક નહેરુ સરકારમાં પણ બે મત હતા. સરકારનો એક વર્ગ માની રહ્યો હતો કે લશ્કરી કાર્યવાહી કરીને પોર્ટુગીઝોને ઘરભેગા કરી દેવા જોઈએ. તો બીજો વર્ગ એમ કહી રહ્યો હતો કે આપણે બંધારણમાં પણ એમ સ્વીકાર્યું છે કે આંતરાષ્ટ્રીય વિવાદો આપણે બને ત્યાં સુધી વાતાઘાટોથી પતાવવાનો પ્રયત્ન કરીશું. આ પ્રકારનો મત ધરાવનારાઓમાં મોરારજી દેસાઈ મોખરે હતા અને એ કારણે જ કેન્દ્રની કેબિનેટમાં જ્યારે જ્યારે ગોવાને આઝાદ કરવાની વાતો ચાલતી ત્યારે મોરારજી ગોવામાં સૈન્ય મોકલવાની વાતને નકારતા અને શાંતિપૂર્ણ વાતાઘાટોથી પોર્ટુગીઝોને રવાના કરવાની હીમાયત કરતા.
પણ કેબિનેટનો મત લીધા કે જાણ કર્યા વિના મનસ્વીપણે નિર્ણયો લેવાની આદત કંઈ વડાપ્રધાનોને આજકાલની નથી. આ આદત નહેરુના સમયથી જ કેળવાયેલી હતી એટલે નહેરુએ કેબિનેટને જાણ કર્યા વિના ૧૯૬૧ના નવેમ્બરના અંતિમ દિવસો અને ડિસેમ્બરના શરૂઆતી દિવસોમાં ગોવા પાસે બેલગામમાં ત્રીસ હજાર જેટલા સૈનિકોનું સૈન્ય ખડકી દીધું હતું. અલબત્ત, ભારતીય સૈન્યએ હજુ સુધી ગોવામાં કોઈ કાર્યવાહી શરૂ કરી નહોતી. પરંતુ સરકારના નાણાં મંત્રી તરીકે મોરારજીને એ બાબત બહુ મોડી ખબર પડી એટલે દેસાઈને એ બાબત ખટકી ગઈ હતી. જોકે પોતાને જાણ કેમ ન થઈ એ બાબતે અહમ બાબતની તકરારમાં પડવા કરતા તેમણે નૈતીકતાના મુદ્દાને આગળ ધર્યો અને યોગ્ય વાતાઘાટ કર્યા વિના સૈન્ય કેમ ખડકી દીધું એ બાબતે તેઓ અડી ગયા.
બેલગામમાં મનસ્વીપણે સૈન્ય ખડકી દીધા પછી ત્યાં કોઈક કાર્યવાહી કરતા પહેલાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં નહેરુએ ઔપચારીક જાણ કરવા કેબિનેટ બોલાવી અને ફોજ ગોવામાં પ્રવેશ ક્યારે કરે એ વિશેની તારીખ નક્કી કરવા મત માગ્યો. એટલે બીજા તો કોઈએ એ બાબતે વિરોધ ન કર્યો, પરંતુ મોરારજીએ એકલાએ ઊગ્રપણે નહેરુના પગલાંનો વિરોધ કર્યો. જોકે બેઠકમાં મોરારજી એકલા પડી ગયા હતા એટલે તેમની દલીલોનો કોઈ અર્થ ન રહ્યો અને આપણું લશ્કર ગોવામાં પેસી ગયું.
આખરે સૈન્યએ ગોવાનો કબજો લીધો અને ૧૯ ડિસેમ્બર ૧૯૬૧ના દિવસે ગોવા, દીવ અને દમણ ભારતમાં ભળી ગયા. પહેલી નજરે કોઈને એમ લાગે કે આવા કિસ્સામાં આમ જ કરાય. આ તો ભારત સરકારે મોડું કર્યું નહીંતર ૧૯૫૦ની આસપાસ જ સૈન્ય મોકલીને એમને ઢીલા પાડી નાંખવા હતા! ઈવન એ સમયે પણ નહેરુ સરકારની આ કામગીરીની દેશભરમાં પ્રશંસા થઈ હતી અને મોરારજી દેસાઈના મતની અખબારોમાં આકરી ટીકા થઈ હતી.
પરંતુ મોરારજી દેસાઈ એ કિસ્સાને કંઈક જૂદા દૃષ્ટિકોણથી જોતા હતા. તેઓ લશ્કરી કાર્યવાહીથી નહીં, પરંતુ વાતાઘાટથી ઉકેલ આણવાનો એટલે આગ્રહ રાખતા હતા કે બંધારણ સ્વીકાર્યા પછી આપણે આંતરાષ્ટ્રીય મુદ્દાઓ બાબતે કરેલા જાહેર નિવેદનોમાં અને ગોવામાં આપણે લીધેલા પગલાંમાં જમીન-આસમાનનો ફેર હતો. બંધારણનો હવાલો આપીને તેઓ કહે છે કે, ‘આપણા બંધારણમાં આંતરાષ્ટ્રીય ઝગડાઓનો નિકાલ શાંતિમય માર્ગે અને સમાધાનથી થવો જોઈએ એવું આપણે જાહેર કરેલું છે.’ તેઓ એમ પણ કહે છે કે ‘ભારતની નૈતિકતાના ધોરણ વિશે આંતરાષ્ટ્રીય ક્ષેત્રમાં જે માન હતું તે નષ્ટ થઈ ગયું હતું અને એથી ભારતની આંતરાષ્ટ્રીય અસરને ભારે ધક્કો પહોંચ્યો હતો.’
એટલે એટલું તો સ્પષ્ટ થાય છે કે ગોવામાં સૈન્ય મોકલવાના ઊગ્ર વિરોધ બાબતે એમનો મુદ્દો ગાંધીયન આદર્શો કરતા એક જુવાનજોધ દેશને આંતરાષ્ટ્રીય મંચ પર કોઈ મુશ્કેલી ન નડે અને અન્ય દેશોની મદદથી ભારત પણ વિશ્વ સાથે ખભેખભો મેળવીને ઊભું રહી શકે એ સંદર્ભનો હતો. આવા કિસ્સામાં ‘યુદ્ધ કરી નાંખીએ’ અને ‘લશ્કર મોકલી દઈએ’ જેવી નીતિ કે નિર્ણયો ટૂંકાગાળાના અને આબરૂ કઢાવે એવા પણ સાબિત થતાં હોય છે. એ કારણોસર જ તેઓ ગોવાના નિર્ણય બાબતે પોતાની સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા.
આ તો ઠીક સૈન્ય પણ ક્યારે અને કયા સંજોગમાં મોકલવું એ બાબતે તેઓ સ્પષ્ટ હતા. તેઓ કહે છે, ‘મને જો પૂછવામાં આવ્યું હોત તો હું વડાપ્રધાનને સલાહ આપત કે પોર્ટુગીઝો સમાધાન કરવાની વૃત્તિ રાખતા નથી એવી આપણને ખાતરી થઈ ગઈ હતી તો આપણે યુ.નો. યુ.કે. અને યુ.એસ.એને આ બાબતે બાર મહિનાની નોટિસ આપતે કે આ નોટિસ પીરિયડ દરમિયાન જો પોર્ટુગીઝ સરકાર સમાધાન કરવાની તૈયારી ન દર્શાવે તો અમે ત્યાં લશ્કર મોકલી દઈશું અને અમારા પ્રદેશો ભારતમાં ભેળવી દઈશું. જો આવું થાત તો આપણો કેસ સ્ટ્રોંગ તો બનતે જ, પરંતુ આંતરાષ્ટ્રીય સ્તરે ભારતની નૈતિકતા પર પ્રશ્નાર્થ ઊભો ન થાત.’
ગરીબી, ભૂખમરા, ઈન્ફ્રાસ્ટ્ર્રક્ચરનો અભાવ, સ્વાસ્થ્યના અનેક પ્રશ્નો અને શિક્ષણના અભાવ સામે ઝઝૂમી રહેલા નવાસવા દેશ માટે આંતરાષ્ટ્રીય સંબંધો સારા હોવું એ અત્યંત મહત્ત્વની બાબત છે. એ માટે જે-તે દેશના સત્તાધિશો પાસે વિઝન હોવું પણ એટલું જ જરૂરી છે, જે વિઝન આ કિસ્સામાં દેસાઈ પાસે તો હતું જ. પરંતુ ત્યારે મગ નહેરુના પાણીએ ચડ્યા હતા એટલે મોરારજીના મંતવ્યનું કોઈ વજૂદ ન રહ્યું.
જો કે અહીં જોવા જેવું એ પણ છે કે ત્યારે કેબિનેટમાં લોકતાંત્રિક પદ્ધતિનું અને ટીકાઓનું એક આગવું મૂલ્ય હતું. તો જ ત્યારે કેબિનેટનો એક મંત્રી વડાપ્રધાનના નિર્ણયનો ઊગ્ર વિરોધ કરી શક્યો અને વિરોધ કર્યા પછીય સરકારમાં કાયમ રહી શક્યો હતો. બાકી, આજના સિનેરિયોમાં તો કેટલીય જગ્યાએ આપણને જોવા મળે કે મંત્રીઓની સૌથી પહેલી લાયકાત જ એ જોવામાં આવે છે કે તેમને કહેવાયેલું કરતા આવડતું હોવું જોઈએ અને બીજું કોઈ મગજ ઘસ્યા વિના આકાઓ દ્વારા અપાતી ટૂલકીટ મુજબ સોશિયલ મીડિયામાં જે-તે નેતાઓનો પ્રચાર કરતા આવડવું જોઈએ.
ખૈર, મજાની વાત તો ત્યારે બને છે જ્યારે બીજા જ વર્ષે એટલે કે વર્ષ ૧૯૬૨માં મોરારજી દેસાઈ વર્લ્ડ બેંકની કોન્ફરન્સ માટે વૉશિંગ્ટન જાય છે. ત્યારે મોરારજી દેસાઈની તત્કાલિન અમેરિકન પ્રેસિડેન્ટ કૅનેડી સાથે મિટિંગ હતી. જમાદાર અમેરિકાને ત્યારે ભારત સરકારે ગોવામાં લીધેલા પગલાંથી આઘાત લાગ્યો હતો અને કૅનેડી એમ પણ જાણતા હતા કે મોરારજી દેસાઈએ એ મુદ્દે નહેરુની નીતિઓનો ખુલીને વિરોધ કર્યો હતો. એટલે કૅનેડીના મનમાં એમ કે દેસાઈને ઉશ્કેરું. મોરારજીને મળતા જ તેમણે વાત કાઢી કે, ‘ગયા ઑક્ટોબર કે નવેમ્બરમાં જ્યારે જવાહરલાલ અમેરિકા આવ્યા હતા ત્યારે તેમણે ગોવા અંગેની શાંતિમય નીતિનો ઉલ્લેખ કર્યો હતો. પણ બે મહિનામાં જ આવું પગલું લેવાશે એવો કોઈ ઈશારો કર્યો ન હતો. એમણે આમ કરવું હતું તો એમણે મને ખાનગીમાં વિશ્વાસમાં લેવો જોઈતો હતો, જેથી કોઈ ગેરસમજ ન થાય.’
પણ આ તો મોરારજી. મોરારજીએ જાહેર કે ખાનગીમાં સ્વીકાર્યું હોય કે ન સ્વીકાર્યું હોય, પરંતુ તડનું ફડ કરવાના અનાવિલ જિન્સ તેમના મિજાજ પર ઘણીવાર હાવી થઈ જતા. એટલે મોરારજીએ કૅનેડીને રોકડું પરખાવ્યું. તેમણે કૅનેડીને કહ્યું, ‘નહેરુની એ નીતિ બાબતના મારા મત વિશે તો તમે જાણો જ છો. પરંતુ તમારે આ વિશે થોડોક વધારે વિચાર કરવો જોઈએ એમ મને લાગે છે. તમે શાંતિપ્રિય માર્ગે સમાધાન કરવાની નીતિ હજુ સ્વીકારી નથી. તમે ક્યૂબા અંગે જે પગલું શરૂઆતમાં લીધું હતું એ પગલાંનો હજી બચાવ કરો છો, પરંતુ અમારા પગલાંનો તમે વિરોધ કરો છો એ શું સુસંગત છે?’
નીતિ અયોગ્ય હોય તો સોય ઝાટકીને અમેરિકાને કહી દે એવા નેતાઓ આજેય ભારતમાં હશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. પરંતુ મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે પક્ષના હીતને માળિયે મૂકીને રાષ્ટ્રના હીતનો વિચાર કરવો અને પોતાની જ સરકારનો વિરોધ કરવો એ કંઈ ખાવાના ખેલ નથી. કે પોતે વડાપ્રધાનની જે નીતિનો ઊગ્ર વિરોધ કર્યો હોય એ બાબતોની કોઈ આંતરાષ્ટ્રીય નેતા ચર્ચા કરે ત્યારે પોતાના વડાપ્રધાનનું તાણવું એ પણ કંઈ નાની બાબત નથી. મોરારજી એ બાબતે વિશિષ્ટ હતા. તેઓ રાજકારણ પણ જાણતા હતા અને રાજનીતિ પણ જાણતા હતા. એટલે જ એમણે એ કરી બતાવ્યું.
મોડે મોડે પણ અમારા પાડોશી એવા દમણ, દીવ અને ગોવાને સ્વાતંત્ર્યતાની શુભેચ્છાઓ.
લેખ-5 -શ્રી અંકિત દેસાઈ

લેખ - 6 અંકિત દેસાઈ

લેખ -7 શ્રી અંકિત દેસાઈ

#એ
એની પાસે બે ગાય. એક ધોળી અને એક કાળી. કાળી ગાય કંઈ કાળી નહીં. આમ તો કાબરચીતરી, પણ ધોળી બહુ ધોળી એટલે કાળી ગાયનું નામ કાળી ગાય પડી ગયેલું. ધોળી જેટલી ડાહી એટલી કાળી રખડું. આખું વર્ષ તો ઠીક તાજા જન્મેલા વાછરડાને મૂકીને પણ એ કલાકો સુધી ભટક્યા કરે.
ધોળી ડાહી દીકરીની જેમ પાંચને ટકોરે ચોકમાં હાજર થઈ જાય, પણ કાળીને તો શોધવા નીકળવું પડે. બે-પાંચ જણને પૂછવું પડે અને ક્યાંક કોઈના વાડામાં દેખાય તો હાંકીને લાવવી પડે. અંધારું ઘેરાવા માંડે એટલે એક તરફ વાછરડું રિબાય અને બીજી તરફ બા ગાળો દે.
પછી દાદા ક્યાંકથી કાળીને શોધી લાવે અને હજુ તો કાળી ચોકમાં આવીને ઊભી ન રહે એટલામાં બા તેનું સ્વાગત કરે,
‘રાણ વાવટી… આખા ગામમાં ભટકી આવીને અમારા પર ઉપકાર કઈરો કેમ? ભટકેલને રાણને વાછેળાનીઓ ચિંતા ની… ડામીસ કેથેની…’
ગાય પણ પાછી ગુનો કબૂલતી હોય એમ ડાહી થઈને ઊભી રહે. માફી માગતી હોય એમ ક્યારેક બા તરફ જોય… ક્યારેક ધોળી તરફ જોય તો ક્યારેક તેના વાછરડાં તરફ જોયા કરે…
ભાંભરતા વાછરડાની નજીક જઈ સહેજ ચાટે. ભૂખ્યું વાછરડું એને ધાવવાનો પ્રયત્ન કરે. એટલામાં ફરી બાની બૂમ પડે,
‘અવે વાછેળાને ધવળાવી મૂક બધું… એટલે અમે તાબડા ફોડીએ… હારી વાહૂલ…’
અને ગાય થંભી જાય.
કોણ જાણે ગાયને બાની ભાષા કેમ સમજાતી?
તપેલા તો સાંજે ચાર વાગાથી ઓટલા પર આવી ગયા હોય. બંને ગાય આવે એટલે બા વારાફરતી બંને ગાયના દૂધ કાઢે. દાદા ગાયના મોઢે વાછેડું પકડીને ઊભા હોય… ગાય વાછેડાને ચાટતી હોય… દાદા ગાયને ગળે હાથ ફેરવતા હોય… બા એક પાણી ભરેલી તપેલીમાં હાથ બોળીને ભીનો કરે… પાણીવાળા હાથે સહેજ આંચળ મસળે અને પછી ખાલી તપેલીમાં ચૂંઈ… ચૂંઈ… ચૂંઈ…ની ધાર ઝરે.
આખું દૃશ્ય એણે વારંવાર જોયેલું. પણ વારંવાર એને જોવાનું ગમતું. હીંચકે બેસીને એ આ ખેલ જોયા કરે. બા-દાદા-ગાય-વાછરડું ચારેય એકબીજામાં લીન અને એ એના ગમતા દૃશ્યમાં લીન…
ક્યારેક ગાયને કંઈક કરડી જાય તો ગાય બાને પાટું મારે…
‘એય… તારી બેનનું ગાવળું મારે….’ દાદા ગાળ દે. જોકે દાદા કંઈ ‘બેનનું ગાવળું મારે…’ એવું નહીં બોલતા… મારેની જગ્યાએ કોઈ ભળતી જ ગાળ હોય…
મોટાભાગે આ બધી માથાકૂટ કાળી ગાય સાથે જ થતી. ધોળી તો નંદીની જ જાણે…
એ પંદરેક વર્ષનો થયો ત્યાં સુધી રોજ સાંજે આ દૃશ્ય ભજવાતું. એની સાંજ એટલે આ બધું જ. પણ એક દિવસે આ દૃશ્યમાં તીરાડ પડી. સોળ વેતર વિયાયેલી ધોળી ગાય મરી ગઈ. ઉનાળાનું વેકેશન એટલે એ અને એના ત્રણેયભાઈઓ ત્યાં હાજર. ઉંમરે પહોંચેલી ગાય આમ તો ઘણા દિવસોથી મરવા પડેલી, પણ એ દિવસે સવારથી ઊભા થવાનું નામ જ ન લે. સવારથી એ અને એના ત્રણ ભાઈઓ ગાયની ચાકરીએ લાગેલા… ગાયને તાપ ન લાગે એનું ધ્યાન રાખે… એને પસવારી જોય… થોડા થોડા ટાઈમે પાણી આપી જુએ… રોટલો ખાશે એમ વિચારી રોટલો ધરી જોય… પણ ગાયમાં કશી મજા નહીં. આખરે બપોર ઢળી એની સાથે ગાય પણ ઢળી પડી.
એ રડ્યો… એના ભાઈ રડ્યા ને બા તો પેટે જણી દીકરી ફાટી પડી હોય એમ રડી. બસ, ત્યારથી તૂટેલું એ દૃશ્ય તૂટતું જ ગયું તૂટતું જ ગયું… ન બા રહી ન દાદા રહ્યા ન કાળી…
(ફેસબુક મેમરી)
લેખ 8 શ્રી અંકિત દેસાઈ
#એ
- અંકિત દેસાઈ
પાપડ અને અથાણા કરવા એ તો ઉનાળાનો ઉત્સવ જાણે. એમાંય પાપડની પળોજણ વધારે. ઘરે પાપડ કરવાના હોય એટલે લગન જેવી સ્થિતિ સર્જાય. બે-ત્રણ દિવસ પહેલાંથી આયોજનો શરૂ થાય અને પછી ગામ આખાની બહેનોને નોતરા દેવાય. ઘરે ઘરેથી ઢીંચ મગાવી લેવાય અને જેમને નોતરા દેવાયા હોય એમને 'સાથે વેલણ લઈને આવજો' એવું કહેવાઈ જાય. આગલા દિવસની સાંજે ઉળા તૈયાર થઈ જાય અને ઓટલા પરનો હીંચકો છોડીને એક ખૂણે મુહરું (મુસળું)ને સાવધાનની મુદ્રામાં ઊભું રાખી દેવાય.
પાપડ થવાનાં હોય એ સવાર પણ નવા વર્ષની સવાર જેવી. સાડા-છ સાત વાગ્યા ન હોય ત્યાં 'ઓ ઊઠો... ચાલો નાઈ પળો... અમણે બધું બયરું આવવા માળહે...'ની બૂમરાણ શરૂ થઈ જાય. અને ઉનાળાની રજાઓ ભૂલીને આખું ઘર દોડધામમાં જોતરાઈ જાય. આગલી સાંજે તૈયાર થયેલાં ઉળા ઓટલા પર આવી જાય અને ઘરની બે કામવાળીઓને ઉળા ખાંડવાનું કામ સોંપાય.
ધબ ધબ ધબ અવાજ આવતો જાય ને ખાંડણિયામાં ઉળા ખંડાતા જાય...
એ દિવસે બા તો ઝાલી ન ઝલાય. પાપડ કરવાનો એને ઉત્સાહ પણ ખરો અને બધું સુખરૂપ પાર પડે એની ચિંતા પણ... એણે ઘરના તો સાત-આઠ કિલોના પાપડ કરવાના જ હોય, સાથે મુંબઈ- અમેરિકા સુધી પથરાયેલા તેના ભાંડરડાઓને પણ થોડા થોડા મોકલવાના હોય. ભાણેજ-ભત્રીજા પાપડ ખાવાના હોય એટલે સ્વાદમાં કોઈ કચાશ ન રહી જવી જોઈએ એની તે ખાસ કાળજી રાખે. ભાણેજ-ભત્રીજાનું ઋણ એ પાપડથી જ તો ભાંગતી! એ કારણે જ પાપડ થવાના હોય એ દિવસે બાની ઝિભાજોડી વધી જતી.
આઠ વાગ્યા ન હોય એટલામાં તો બા નાહીધોઈને ઓટલે ગોઠવાઈ જતી. ઓટલે ગોઠવાઈને દાદા અને કામવાળીઓની ફોજને ઓર્ડર કરતી બાને જોયા કરવાનું એને પણ બહુ ગમતું. પહેલો ઉળો ખંડાય એટલે બા દાતરડાંથી એ ઉળાના ગૂઈણાં (ગુલ્લાં) પાડે અને પહેલું ગૂઈણું લઈ, તેને તેલમાં ઝબોળી ઢીંચ પર મૂકે. ઘડીકમાં તો બા ગૂઈણાને ગોળાકાર કરી દે. આમેય અમને બધાને સરખો ઘાટ બાએ જ તો આપ્યો છે! પછી નાનકડી દીકરીને માથે હાથ ફેરવતી હોય એમ ઢીંચ પરથી ભીનો પાપડ ઊંચકે અને નજાકતથી ઊંધા સૂપડાં પર ગોઠવી દે. પછી બીજો... ત્રીજો અને ચોથો...
પહેલો ઉળો પતે પછી બા ભાગ્યે જ પાપડ કરે. ગામમાં કોઈ બીજા ઘરે પણ પાપડ થતાં હોય અને (વુ)મેનપાવર ઓછો હોય તો જ, નહીંતર બા સુપરવિઝન કરે. કેટલા ઉળા ખંડાયા છે, ખંડાયેલા ઉળાના ગૂઈણા પાપડ વણવા આવેલી ગામની બહેનોને મળતા રહે છે કે નહીં, બહેનોએ વણેલા પાપડ ચોકમાં પથરાયેલા ઘાંસ પર પથરાય છે કે નહીં, થોડા થોડા સમયે તડકે નંખાયેલા પાપડને ફેરવવામાં આવે છે કે નહીં... અને ખાસ તો કોણ કેટલા ગુઈણા ખાય છે એનું બા ખાસ ધ્યાન રાખે !
હા, ઘરે પાપડ થતાં હોય તેનો સૌથી મોટો ફાયદો એ કે ગૂઈણા ખૂબ ખાવા મળે! એમાંય સહેજ તેલમાં ઝબોળીને ખાધા હોય તો તો આહા ઓહો... ગુઈણાનો ક્રેઝ એવો કે જેટલા જણ પાપડ કરવા આવ્યા હોય એ તો ખાય જ, પણ તેમનાં ઘરેથી પણ ફરમાઈશ આવી હોય કે 'મમ્મી ગુઈણા લઈ આવજે...!' ઘરના છોકરાઓ તો માગી-ચોરીને વીસ-પચીસ ખાય જ, પણ ફળિયામાંથી પસાર થતું કોક અજાણ્યુંય શરમ નેવે મૂકી, 'ઓહો, પાપળ કરતા છે એમને... લાવો એકબે ગુણિયા...' કરીને હકથી માગી જાય...
એને પહેલેથી તીખા પાપડ નહીં ભાવે. પાપડમાં લસણનો સ્વાદ હોય તો એને મજા પડી જાય. એટલે બા એના માટે ખાસ લણસનાં પાપડ કરાવતી. બા એ પાપડને ધોરા પાપડ કહેતી એટલે આજે પણ એ લસણવાળા પાપડને ધોરા પાપડ જ કહે... ગુઈણા ખવડાવવા બાબતે આમ તો બા ઉદાર, પણ જો કોઈ ધોરા પાપડના ગુઈણામાં આમતેમ કરે તો બાની ગાળો સાંભળવા તેણે તૈયાર રહેવાનું.
'ઓજરી છૂટી પળહે ત્યારે જ ખબર પડહે મૂઆને... મૂઓ અકરાંતિયો...' બા તો ગાળો પણ દિલથી દેતી!
પાપડ થાય એ દિવસે પાછો થોથડી ખાવાનો રિવાજ. ચાર-પાંચ ગુઈણાને સાથે વણીને એક જાડી ભાખરી જેવી વણવાની અને તેને ચૂલા પર અધકચરી શેકવાની. વરાળ કાઢતી થોથડી ખાવાની મજા પડી જતી મજા....
પણ હવે જ્યારથી તૈયાર પાપડ આવે છે ત્યારે થોથડી શું ને ગુઈણા શું? નવી પેઢીને માટે તો એ કોઈ આદિમ યુગની ઘટના... કદાચ એટલે જ ઘરે પાપડ તો લિજ્જતના આવે છે, પણ પાપડ ખાવાની લિજ્જત હવે નથી રહી...
(આ લેખ જૂનો છે.)

લેખ 9 શ્રી અંકિત દેસાઈ
મોરારજી દેસાઈ અને અખબારી સ્વાતંત્ર્ય
- અંકિત દેસાઈ
મોરારજી દેસાઈનો જન્મ દિવસ 29મી ફેબ્રુઆરીએ આવે છે અને કઠણાઈ એ છે કે, 29મી ફેબ્રુઆરી દર ચાર વર્ષે આવે છે. જોકે જન્મની તારીખ ભલે દર ચાર વર્ષે આવતી હોય, પરંતુ ગુજરાતની વિધાનસભા અને આપણી લોકસભામાં દર વર્ષે મોરારજી દેસાઈને યાદ કરવામાં આવે છે અને પહેલી માર્ચે એમને પુષ્પો અર્પીને એમનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. તો આપણે પણ એ તકનો લાભ લઈએ અને હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપનારા અને આઝાદી પછી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી, દેશના નાણાંપ્રધાન અને વડાપ્રધાન તરીકેની નોંધપાત્ર ફરજ બજાવી ચૂકેલા આ ગરવા ગુજરાતીને યાદ કરીએ અને એમને શબ્દાંજલિ આપીએ.
એમના જન્મ અને બાળપણ વિશેની વાતો ગુગલ પર આસાનીથી પ્રાપ્ય છે એટલે એ કથા અહીં આલેખવી નથી. અહીં આપણે એમના સિદ્ધાંતો, એમની કર્તવ્ય પરાયણતા અને એમની સત્યનિષ્ઠાની જ પ્રશસ્તિ ગાથા માંડીએ.
અનેક વિવાદ બાદ વ્યક્તિના કે અખબાર અથવા અન્ય સમાચાર માધ્યમોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને લઈને ભારે ચર્ચા ચાલતી રહે છે. રોજ રાત્રે ટીવી પર અનેક રવિશ કુમારો આ બાબતે પ્રાઈમ ટાઈમ ડિબેટ કરી રહ્યા છે તો અનેક ચેતન ભગતો અખબારના એડિટોરિયલ પેજ પર અભિવ્યક્તિની સ્વતંત્રતા બાબતે પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી રહ્યા છે. ફ્રીડમ ઑફ એક્સપ્રેશનને નામે ઘણી વખત કેટલાક લોકો, નેતાઓ કે પત્રકારો-લેખકો બંધારણની જોગવાઈઓની ઐસી કી તૈસી કરીને ગમે એવો બકવાસ કરી નાંખતા હોય છે.
કોઈના પર લાંછન લગાડતા આવા લવારાને ક્યારેય ફ્રીડમ ઑફ એક્સપ્રેશનનું લેબલ લગાડી શકાય નહીં અને કાયદો આવી બાબતોને પરવાનગી પણ નથી આપતો. અને એટલે જ કોઈ પણ ટોમ, ડીક એન્ડ હેરી મનફાવે ત્યારે કોઈના વિશે મનફાવે એમ બોલી જાય ત્યારે બદનક્ષીનો દાવો કરી શકાય છે.
મુંબઈ સ્ટેટના મુખ્યમંત્રી હતા ત્યારે મોરારજી દેસાઈને એક જૂના અને ખ્યાતનામ અખબાર સાથે થોડી તકરાર થઈ ગયેલી. તકરારનો મુદ્દો હતો દારૂબંધી. આઝાદી પહેલાના વર્ષોથી મોરારજી દારૂના પ્રખર વિરોધી રહેલા અને સ્વરાજ આવતા એમણે એમની સરકારોમાં દારૂબંધી ફરજિયાત કરવાની કટ્ટર હિમાયત પણ કરેલી. અને પોતે વિશાળ મુંબઈ સ્ટેટના મુખ્યમંત્રી બન્યાં ત્યારે એમણે દારૂબંધીનું ચુસ્ત પાલન કરાવ્યું.
મોરારજી દેસાઈની આ નીતિ પેલા ખ્યાતનામ અખબારને અત્યંત ખટકી પડી, (જોકે એ નીતિ અમનેય ખટકે છે!) જેને પગલે તંત્રીઓએ અખબારમાં મોરારજીની આ નીતિનો વિરોધ કરતા ઢગલેબંધ રિપોર્ટ્સ અને લેખો છપાવા માંડ્યા.
અભિવ્યક્તિ બાબતે મોરારજી દેસાઈ સ્પષ્ટપણે એમ માનતા કે, કોઈ પણ અખબાર રાજ્યની ટિકા કરે તો એ ટિકા સાભાર સ્વીકારવી અને જો એમાં રાજ્યનો કંઈક દોષ હોય તો એમાં જરૂરી સુધારા પણ આણવા. પણ ટિકાને ધ્યાનમાં રાખીને પોતાની રાજકીય સત્તાનો ગેરલાભ નહીં લેવો કે કોઈ અખબારના તંત્રી કે પત્રકાર સામે ક્યારેય કોઈ પગલા લેવા નહીં. મોરારજીનું આ વલણ અભિવ્યક્તિ સ્વતંત્રતાનું શ્રેષ્ઠ ઉદારણ કહી શકાય, જેમણે પોતાની જ સરકાર કે પોતાના નિર્ણયોની આકરી ટીકા થતી હોવા છતાં વિરોધી મત ધરાવનારોને પણ એમની વાત કહેવાનો પૂરતો અવકાશ આપ્યો અને એમની ફ્રીડમ ઑફ એક્સપ્રેશનનું માન જાળવ્યું.
પણ પછી એવું થયું કે, એ અખબારે સરકારની નીતિઓ કે સરકારના નિર્ણયોને કોરાણે મૂકીને દેસાઈને વ્યક્તિગત ટાર્ગેટ બનાવ્યા અને એક પાયરી નીચે ઉતરીને અવિવેકી ભાષામાં એમના પર વ્યક્તિગત આક્ષેપો મૂકવા માંડ્યાં. રાજકારણ જેવા ક્ષેત્રમાં કાર્યરત હો તો તમારા પર દોષારોપણ થતાં રહેવા કે સાવ વાહિયાત પ્રકારના બોદા આક્ષેપો થતાં રહેવા એ રોજની વાત કહેવાય. અને દેસાઈ પર આ પહેલા પર અનેક દોષારોપણ થતાં રહ્યા હતા, પરંતુ અખબારના મુદ્દે એમને એવું લાગ્યું કે, કોઈ અખબારમાં અવિવેકી ભાષા વપરાય તો એ ઠીક નહીં ગણાય. વળી, પેલું અખબાર તો આઝાદી પહેલાથી ચાલતું આવેલું ઘણું પ્રતિષ્ઠિત અખબાર હતું, એટલે એમાં જો આવું કૃત્ય ચલાવી લેવાય તો અન્ય અખબારો પણ આમાંથી બોધપાઠ લે અને કાલ ઊઠીને અન્ય લોકો અથવા સામાન્ય માણસો માટે પણ જાહેરમાં અવિવેકી ભાષાનો ઉપયોગ શરૂ થાય અને લોકતંત્રમાં અભિવ્યક્તિને નામે અંધાધૂંધી ફેલાય.
એટલે આ કિસ્સામાં મોરારજી દેસાઈએ પગલાં ભરવાનું નક્કી કર્યું. જોકે પગલાંના નામે અખબાર પર સમૂળગો પ્રતિબંધ લાદી દેવાની દુષ્ટ ચેષ્ટા એમણે નહીં કરી. આવું કર્યું હોત તો લોકશાહી મૂલ્યોના ગળે ટૂંપો દીધાનું લાંછન એમના નામે લાગ્યું હોત. પરંતુ અખબાર પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લાદતા એમણે અખબારને સરકારી જાહેરાત આપવાનું બંધ કરાવ્યું અને આ રીતે અખબારને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
જાહેરાતોનું અખબારોમાં શું મહત્ત્વ હોય છે એ પત્રકારોથી વધુ કોઈ નહીં જાણતું હોય. કલાકોની મહેનત બાદ લખેલા કાળજાના કટકા જેવા અહેવાલો કે લેખો પર પળવારમાં જાહેરખબર નામની કાતર ફરી જાય ત્યારે પત્રકારને ધરતી મારગ આપે તો એમાં સમાઈ જવાનું મન થઈ જતું હોય છે, પણ જાહેરખબર આગળ એ બાપડાનું કશું ચાલતું નથી, કારણ કે જાહેરખબરો જ અખબારને રેવન્યુ રળી આપતી હોય છે!
મુંબઈ જેવા મોટા રાજ્યમાં મોરારજી દેસાઈ સરકારે જાહેરખબર બંધ કરાવી એટલે અખબારના તંત્રીઓ અને મેનેજમેન્ટ ધૂંઆફૂઆં થઈ ગયા અને એમણે આ બાબતે ભારે ઉહાપોહ મચાવ્યો.
અધૂરામાં પૂરું અખબારના તત્કાલિન તંત્રી છેક દિલ્હી જઈને વડાપ્રધાનને આ બાબતની ફરિયાદ પણ કરી આવ્યા. તંત્રીની ફરિયાદ સાંભળીને જવાહરલાલે તરત મોરારજી દેસાઈને આ ઘટના બાબતે લખ્યું, જેમાં એમણે મોરારજીને એમના પગલાં બાબતે બિરદાવ્યા અને બની શકે તો આ અખબારને હંમેશ માટે સરકારી જાહેરખબરોથી વંચિત રાખો એવી સલાહ પણ આપી.
એ અંગ્રેજી અખબારને સરકારી જાહેરખબરથી વંચિત રાખવાની આ સલાહ પાછળ ચાચા નહેરુનું લૉજિક એમ હતું કે, અન્ય અખબારો કરતા આ અખબારના જાહેરાતના દર વધારે છે! જોકે મોરારજીને જવાહરલાલના એ લોજિકમાં દમ નહીં લાગ્યો એટલે એમણે આ બાબતે વિચાર કરવાનું માંડી વાળ્યું અને થોડાં સમય પછી અખબારની નીતિમાં ફેરફાર જણાતા એમણે ફરીથી અખબારમાં જાહેરખબર આપવાનું શરૂ પણ કર્યું.
પાછળથી એ જ અખબારના મેનેજમેન્ટ અને તંત્રી વિભાગને કોઈ બાબતે મોટો ડખો થઈ ગયેલો ત્યારે તંત્રી અને મેનેજમેન્ટ મોરારજી દેસાઈ પાસે જ સલાહ લેવા ગયેલા અને દેસાઈએ ભૂતકાળમાં પોતાના વિશે વપરાયેલી અવિવેકી ભાષા કે આક્ષેપોને ભૂલીને એ વિવાદમાં મધ્યસ્થી કરીને અખબારના મેનેજમેન્ટ અને તંત્રી વિભાગ વચ્ચે યોગ્ય નિરાકરણ લાવી આપેલું.
આ ઘટના પરથી નાગરિક તરીકે આપણે કે સત્તા ભોગવી રહેલા સત્તાધિશોએ ધડો લેવા જેવો છે કે, ક્યારેય કોઈ બાબતે અંતિમવાદી નિર્ણય લઈ શકાય નહીં. એ પણ ઘટના ઘટ્યાના તુરંત બાદ તો નહીં જ નહીં.
આપણે નાની અમસ્તી ઘટના વખતે કે કોઈ વ્યક્તિની એકાદી ભૂલ વખતે અંતિમવાદી વલણ અપનાવતા હોઈએ છીએ. સામાન્ય જનજીવનમાં ભૂલ વિનાનો કોઈ માણસ શોધ્યો નહીં જડે. પરંતુ આપણે કોઈને એની નાની સરખી ભૂલમાં એને નકામો, ઠોઠ, અણઆવડત વાળો, ભ્રષ્ટાચારી કે દેશદ્રોહી જાહેર કરી દેતા હોઈએ છીએ. કોઈક એક પગલા માટે વ્યક્તિને સમગ્રતઃ જજ કરી શકાય નહીં કે એના વિશે કોઈ ચોક્ક્સ તારણ કાઢી શકાય નહીં. બિલકુલ એ જ રીતે એ નાનકડી ભૂલ કે અયોગ્ય પગલાંને કારણે એ વ્યક્તિને ધિક્કારીય નહીં શકાય. અલબત્ત કોઈ વ્યક્તિની જે-તે ભૂલો કે એના અયોગ્ય પગલાંનો વિરોધ કરીને એમાં સુધાર જરૂર આણી શકાય.
મોરારજીએ ધાર્યું હોત તો તેઓ અખબાર સામે કાયમી અંતિમવાદી પગલાં લઈ શક્યા હોત. આ મુદ્દે તો એમને વડાપ્રધાનનું પણ પીઠબળ હતું. પરંતુ એમણે એમ નહીં કર્યું અને અખબારના એક ચોક્કસ વલણનો વિરોધ કરીને એના સુધારની દિશામાં રચનાત્મક પગલા લીધા અને અખબારી સ્વાતંત્ર્યની રક્ષા કરી, જે એમની એમની વહિવટ કુશળતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. જોકે આ કિસ્સામાં તેમની દિલેરીને બિરદાવી શકાય એમ નથી, કારણ કે મોરારજીભાઈ અને દિલેરી શબ્દને દૂર દૂર સુધીનો નાતો નથી. જડતાનો ગુણ તેમનામાં હાડોહાડ હતો. મોરારજીએ સરદાર સાથેય કારણ વિનાના પંગા લીધા હોય એવા કિસ્સા સાંભળવા મળ્યા છે.
આવતી કાલે પોંડિચેરી, દાદરા નગરહવેલી, ગોવા તેમજ દિવ-દમણ જેવા પ્રાંતોમાંથી ફ્રેન્ચો અને પોર્ટુગિઝોને હાંકી કાઢવા મુંબઈના મુખ્યમંત્રી તરીકે મોરારજી દેસાઈ કઈ રીતે મદદરૂપ થયેલા એ વિશેની વાતો કરીએ.
લેખ 10 -શ્રી અંકિત દેસાઈ
રામલો નહીં, રામભાઈ
- અંકિત દેસાઈ
કેટલાક માણસો સાથે આમ આપણને સીધો સંબંધ ન હોય, પરંતુ આપણે જીવેલા સમય પર અને આપણા મહામૂલા સ્મરણો પર એમનો સીધો પ્રભાવ અને હિસ્સો જરૂર હોય છે. દરેકના જીવનમાં એવા બે-પાંચ પાત્રો હોવાના. અમારે ય છે એવા એક-બે જણો. અને એમાંનું એક પાત્ર એટલે અમારો રામભાઈ! જેની અમારા બાળપણ પર, અમીટ છાપ અને નોસ્ટાલ્જિક મેમરીઝમાં તેનો ભારોભાર હિસ્સો છે!
રામભાઈને અસ્થિર મગજનો નહીં કહી શકાય. કારણ કે અસ્થિર મગજના માણસો ક્યારેક જાણ્યે - અજાણ્યે ઉપદ્રવ કરી બેસે. અમારા રામભાઈએ તો ક્યારેય ઉપદ્રવ નથી કર્યો, બલ્કે ગામના નાનાં-મોટા પ્રસંગોમાં અને અશક્ય લાગતા અનેક કામોમાં રામભાઈએ પોતાની સમજણ અને આવડત મુજબનું યોગદાન આપ્યું છે. ગામના અનેક ઘરોના લગ્ન કે મરણ પ્રસંગોમાં મહેનતના કામો રામભાઈએ સામે ચાલીને માથે ઊઠાવી લીધા છે અને કોઈ પણ સ્વાર્થ કે અપેક્ષા વિના એ કામોને પાર પાડ્યા છે.
એટલે રામભાઈ માટે એક જ શબ્દ વપરાય ‘ભોળો’. હા, અમારો રામભાઈ ભોળો અને નિર્દોષ હતો. એને સમજણ તો બધી જ હતી અને આવડત પણ ઘણી હતી. બસ, એને નાની-મોટી દરેક બાબતોએ ગણતરી નહોતી આવડતી. એનામાં એ સમજણ ૭૭ વર્ષની ઉંમરે આજે સવારે આઠ વાગ્યા સુધી નહોતી કેળવાઈ કે આ દુનિયાએ દરેક બાબતની એક કિંમત અથવા મૂલ્ય નક્કી કર્યું છે. એને ખબર જ નહોતી કે આ ગ્રહ પર તેની આસપાસ જીવતા અનેક જીવો એક અદૃશ્ય ત્રાજવું સાથે લઈને ફરે છે અને પોતાની સામે આવેલા દરેક પ્રસંગો કે સંજોગો વખતે સામે આવેલા સંજોગને ત્રાજવે તોળીને માપસરના નિર્ણયો લે છે! અમારો રામભાઈ આજે સવારે આઠ વાગ્યા સુધી એ સમીકરણને સમજી જ નહોતો શક્યો કે આખરે દરેક બાબતોને ચલણી નોટો, અંગત લાભો કે સ્વાર્થ સાથે શું કામ જોડવી જોઈએ?
એ તો બસ, આ ગ્રહ પર એમ જ ફરવા આવેલો અને ફકીરની જેમ આખીય જિંદગી એકેય બાબતોના મોહ કે વળગણ વિના પોતાની મસ્તીમાં જીવ્યો. આજે અમારા એ રામભાઈને કોરોના ભરખી ગયો ત્યારે એકસાથે અનેક સ્મરણો પૂનમની ભરતીની જેમ દિલની દીવાલો પર અફળાયા અને ફીણફીણ થઈ ગયા.
***
અમારી સમજણ કેળવાયેલી એ પહેલાથી અમે રામભાઈને ઓળખીએ. લંબગોળ ચહેરો અને ઈસ્ત્રી ન હોય, પણ જાતે ધોયેલા સાફ કપડાં. પેન્ટ પર પાછો પટ્ટો ચડાવવા જોઈએ અને કપાળે, ગળે અને કાન પાસે ગામના મંદિરના હનુમાનજી પર ચઢેલું તેલવાળું સિંદુર હોય. વાંચતા લખતા તો ઠીક અમુક શબ્દો સરખી રીતે ઉચ્ચારતા પણ તેને ન ફાવે, પરંતુ ઈશ્વરમાં એવી અપાર શ્રદ્ધા કે સવાર અને સાંજે ગામના ભીમશંકર મહાદેવના મંદિરમાં રામભાઈની અચૂક હાજરી હોય. ક્યારેક રંગમાં હોય તો પોતાની અસ્પષ્ટ ભાષામાં જોરજોરથી અબડમસબડમનો મંત્રોચ્ચાર પણ કરે! રામભાઈને તો આમેય ખબર જ હતી કે ઈશ્વરની સાથે સંવાદ કરવો હોય તો વિદ્ઘાનો કે મહાકવિઓએ રચેલા શ્લોકો કે સ્તુતિઓ આવડવી જ જોઈએ એવું થોડું? સ્તુતિગાન તો શાણા માણસો કરે, બાકી ઈશ્વર તો ભાવનો ભૂખ્યો છે!
***
રામભાઈ આમ આખાય ટુકવાડા ગામનો લાડકો. પરંતુ ગામને ટીખળ કરવાની ટેવ એટલે રામભાઈની અબાલ- વૃદ્ધ સૌ કોઈ ટીખળ કરે. આશય એવો જરાય નહીં કે રામભાઈને હેરાન કે દુઃખી કરવો છે. પણ જરા સરખી ટીખળમાં રામભાઈ ઉશ્કેરાય એટલે બધા રામભાઈ સાથે એટલી છૂટ હકથી લઈ લે. અને એ બાબતે અમારી રામભાઈ સાથે બાળપણની અઢળક મીઠી યાદો જોડાયેલી, જે યાદો આજેય સપાટી પર આવી જાય તો આંખોમાં ઝાકળ બાઝી જાય.
એને કોઈ ‘ચીચરીક’ કહે એ ન ગમતું. ખબર નહીં તેનું આ નામ કઈ રીતે પડેલું અને રામભાઈના એ નામ વિશે ગામમાં જાતજાતની દંતકથાઓ પણ ખરી. પરંતુ રામભાઈનું અમારા ગામનું એ અફર સત્ય એક જ કે ભાઈ રામભાઈને ‘ચીચરીક’ કહે એ નથી ગમતું. એટલે બધા એ બાબતની મજા લે અને તક મળ્યે રામભાઈને પજવી લે.
સામે પક્ષે અમારો રામભાઈ પણ કંઈ ઓછો થોડો? એકલવ્યની જેમ ધાર્યું નીશાન તાકવાની કળા એણે આપોઆપ હસ્તગત કરેલી. વળી, સ્ફૂર્તિ પણ એટલી હરણની ગતિએ રામભાઈ દોડે! એટલે એમ કંઈ રામભાઈને ‘ચીચરીક’ કહીને છૂટી ન જવાય. નહીંતર મોત જ આવ્યું સમજો. કારણ કે રામભાઈને ચીઢવ્યા પછી તમે એની સામા તો ઠીક પચીસ- પચાસ ફૂટની ત્રિજિયામાં પણ હો તો રામભાઈ પથ્થર ઊંચકીને તમે ગમે એવી ગતિમાં દોડતા હો તો પણ ચોક્કસ તમને ટીંચે. અને રામભાઈનો પથ્થર વાગ્યો એટલે વજ્રાઘાત જ થયો સમજવો. કારણ કે ઉંડો ઘા તો થાય જ પણ દર શિયાળે કુદરત યાદ અપાવે કે આ જગ્યાએ રામભાઈનો પથ્થર વાગ્યો હતો!
પણ ‘ચીચરીક’ એમ જોરથી બૂમ પાડ્યા પછી રામભાઈ જે રીતની ઉગ્ર પ્રતિક્રિયા આપે કે એ ઉશ્કેરાઈને પાછળ દોડે ત્યારે અડધો કલાક – કલાક ગામ આખામાં દોડવાની મજા આવે એનો અમને એક કેફ જેવો થઈ ગયેલો. એવું કર્યા પછી જે થ્રિલ થતી એની કીક વાગતી અમને!
એટલે વેકેશનના ગાળામાં રામભાઈને પજવવો એ અમારી આખીય મંડળીનો મુખ્ય એજેન્ડા રહેતો. એને માટે બાકાયદા અમારી બેઠકો યોજાતી અને સજ્જડ પ્લાનિંગ થતું, જેથી રામભાઈની ચીઢવ્યા પછીની થ્રિલની કીક પણ લાગે અને રામભાઈના પથ્થરનો શિકાર પણ નહીં થઈએ! એ બધામાં પાછું ખાસ ધ્યાન એ રાખવાનું કે રામભાઈને અમારા ચહેરા ન દેખાવા જોઈએ નહીંતર જો ચહેરો દેખાઈ ગયો તો ગયા કામથી. રામભાઈ એ સમયે નહીં, પરંતુ પછીથી ધોલધપાટ કરે! અને રામભાઈના ડરથી એકાદ અઠવાડિયું ગામમાં બહાર નીકળવાનું બંધ થઈ જાય એ વધારાનું!
જોકે રામભાઈને ચીઢવ્યા પછી અને પૂરતો દોડાવ્યા પછી અમે ભલે રામભાઈના હાથે પકડાઈએ કે ન પકડાઈએ, પણ ગામ આખામાં હલ્લાબોલ થઈ જાય. ફળિયે ફળિયે સનસનાટી ફેલાય કે ‘આ પોઈરાએ મૂઆએ રામભાઈને બો દોડાવ્યો…’ એ કારણે થતું એવું કે અમારા ઘર સુધી વાત પહોંચી જતી કે અમે કારસ્તાન કરીને આવ્યા છીએ અને રામભાઈને સારી પેઠે પજવ્યો છે. એટલે ઘરે તો કોઈને કોઈ ઠમઠોરી જ નાંખે, ‘કે બીચારા રામભાઈને શું કામ ચીઢવો છો?’ ક્યારેક તો રામને ચીઢવવાના ગુનામાં ઘરેથી ખીસ્સા ખર્ચીના પૈસા પણ બંધ થઈ જતા અને ફરી પાછી બાંહેધરી આપીએ કે હવે રામભાઈને નહીં ચીઢવીએ પછી જ પૈસા મળવાના શરૂ થતા!
એ કારણે થતું એવું કે વેકેશનમાં રહેવા જવાનું થાય એ પહેલાં ઘરે મમ્મી અને ગામમાં બા અમારી પાસે પ્રતિજ્ઞા લેવડાવતી કે, ‘આખાય વેકેશન દરમિયાન અમે રામભાઈને ચીઢવીશું નહીં અને જો રામભાઈ સંદર્ભે અમારી કોઈ ફરિયાદ આવી તો તાત્કાલિક અસરથી ગામ છોડી દઈ વાપી ભેગા થઈ જઈશું!’
પણ એ પ્રતિજ્ઞાનું પાલન કરે એ બીજા. પરીક્ષાઓ પૂરી કરીને અમે તો ગામ પહોંચીએ કે પહોંચીએ, પહેલા એજેન્ડામાં રામભાઈને લઈ લઈએ અને સાંજે અથવા રાત્રે રામભાઈને ચીઢવીને ભરપેટ દોડાવીએ. એ રીતે રામભાઈ સાથેના એવા પ્રસંગો તો અઢળક અને લગભગ દરેક વેકેશનના. પણ હવે રામભાઈ પણ નથી અને વેકેશન માણવાની ઉંમર પણ વીતી. ત્યારે શું એ સ્મરણો હવે ઉઝરડા બનીને રામભાઈની યાદ નહીં અપાવે?
***
એ વર્ષ હશે ૨૦૦૭નું અથવા ૨૦૦૮નું. ત્યારે રામભાઈ અચાનક ગુમ થઈ ગયેલો. બાપડો ક્યાંક ચાલીને જઈ રહ્યો હતો ત્યાં કોઈક ટેમ્પોવાળાએ એને લિફ્ટ આપી. એક તો રામભાઈ બોલે અસ્પષ્ટ અને પોતે કઈ જગ્યાએ જઈ રહ્યો છે એ વિશે એ ટેમ્પોવાળાને સરખું સમજાવી ન શક્યો. એટલામાં ને એટલામાં એ ઘણો આગળ નીકળી ગયો અને ટેમ્પોવાળાએ એને ઉતારી દીધો. કદાચ એવુંય બન્યું હોય કે રામભાઈએ જ એને કહ્યું હશે કે અહીં ઊતારી દે અહીંથી હું જતો રહીશ!
પણ ટેમ્પોમાં રામભાઈ પંદર-વીસ કિલોમિટર આઘોપાછો થઈ ગયો એટલે ટુકવાડા કઈ રીતે પહોંચવું એનો તેને કોઈ ખ્યાલ જ નહીં. સામાન્ય સંજોગોમાં એ એકલો વધુમાં વધુ ઉત્તરમાં ઉદવાડા સુધી અને દક્ષિણમાં વાપી સુધી જાય. એટલે જ્યાં ગયો એ તો કોઈ ભળતી જ જગ્યા! આમ તો નજીકની જ, પરંતુ રામભાઈના સીમિત વિશ્વ માટે તો એ પરગ્રહનો જ કોઈ પ્રદેશ. એટલે રામભાઈ વધુ ગૂંચવાયો. ખિસ્સામાં પૈસા નહીં અને કોઈને ઊભા રાખીને ‘મને ટુકવાડા સુધી પહોંચાડી આવો.’ એવું કહેવાની સમજણ નહીં. સમજણ હશે તોય એ અજાણ્યા પ્રદેશમાં સમજણનો લોપ થઈ ગયો. એટલે અમારો રામભાઈ વધુ ગૂંચવાઈ ગયો અને એને જે દિશા સાચી લાગી એ દિશામાં ચાલતો જ રહ્યો.
બીજી તરફ ગામમાં ઉહાપોહ મચી ગયો. કે રાત થઈ ગઈ તોય રામભાઈ હજુ દેખાયો નથી. ગામનું લોક મારતે ઘોડે અમુકતમુક રામભાઈની પ્રિય જગ્યાઓએ તપાસ કરી આવ્યું, પણ રામભાઈનો પત્તો નહીં. એને ગમતા લોકોને ત્યાં ફોન પણ જોડી જોયા કે તમે રામભાઈને લઈ ગયા છો અથવા રામભાઈ તમારી પાસે આવ્યો છે? પરંતુ બધેથી ના આવી.
અમારા ગામમાં એક નદી છે અને એ નદીએ સમયાંતરે કોઈના ને કોઈના ભોગ લીધા છે એટલે કોઈકને એ તરફ શંકા જાય તો કોઈને કૂવામાં તપાસ કરવાનું સૂઝે. પરંતુ રામભાઈ આમ પાછો એટલો ચોક્કસ કે નદી કૂવા પાસે ક્યારેય ચેડા નહીં કરે. પણ મોડું થઈ ગયું હતું એટલે સવારની રાહ જોયા વિના કોઈ વિકલ્પ નહોતો રહ્યો એટલે બધાએ ઠેરવ્યું કે કાલે શોધીએ.
બીજા દિવસે તો સવાર થઈને ગામ આખામાં અને ગામના લોકો જે ઉદવાડા- વાપી જઈને વસ્યા હતા એ બધામાં ચકચાર ફેલાઈ કે રામભાઈનો પત્તો નથી. એટલે નોકરિયાતોએ નોકરી પર અને વિદ્યાર્થીઓએ તેમની સ્કૂલ- કૉલેજોમાં રજા રાખી અને બે-બેની સંખ્યામાં આસપાસના વિસ્તારોમાં તેની શોધ આદરી. બધાના જીવ ઊચાટમાં કે અમારો રામભાઈ જાય ક્યાં? તેના ભોળપણથી સૌ કોઈ માહિતગાર એટલે આખોઆખો દિવસ ખૂણેખાંચરે અને રેલવેસ્ટેશનો પણ શોધખોળ ચાલે. પરંતુ રામભાઈની ભાળ નહીં.
આવું તો બે-ચાર દિવસો સુધી ચાલ્યું અને અખબારોમાં પણ તેના ફોટો સાથે જાહેરાતો આપી. પણ કોણ જાણે રામભાઈ કઈ દિશામાં ઓગળી ગયેલો તે જડે જ નહીં. આખરે ગામના લોકોએ આશા છોડી દીધી અને બધાને એક ઉદાસી ઘેરી વળી, કારણ કે બધાનો લાડકો રામભાઈ આમ ક્યાંક ખોવાઈ જાય એ કોને ગમે? બધાને એ પણ ખબર કે રામભાઈ ખાવાનો શોખીન અને તેને ભૂખ અસહ્ય લાગે. એટલે બધાને એક જ ચિંતા કે એ ક્યાં રઝળતો હશે? અને કોણ એને તેને ધરવ થાય એટલો ખોરાક આપતું હશે?
પણ એક દિવસ અચાનક ચમત્કાર થયો. મારો મિત્ર ધવલ વાપીમાં ટ્યુશન જઈ રહ્યો હતો તેણે સવારના પહોરમાં ઝડપભેર કોઈક દિશામાં આશરે જ જઈ રહેલા રામભાઈને જોઈ પાડ્યો.
‘એય રામભાઈ…. તું કાં ફરે?’
અને રામભાઈના પગમાં અચાનક જગત આખાનો થાક વર્તાઈ આવ્યો. દિવસોથી અથાકપણે ચાલી રહેલા તેના પગ મંજિલે પહોંચી ગયા છે એવું માની તે થંભી ગયો, ઊચાટ તેમજ ભય ભરેલી તેની આંખોમાં પાણી તરી આવ્યા. અને તેને હૈયે તાઢક થઈ ગઈ કે હાશ હવે મારા વિશ્વમાં પહોંચી શકીશ. કારણ કે રામભાઈને માટે તો આમારું ટુકવાડા જ એનું બ્રહ્માંડ હતું!
ધવલે પહેલાં તો તેને પાણી પીવડાવ્યું અને એક નાસ્તાની દુકાનમાં લઈ જઈને ઊભો રાખી દીધો. કહ્યું, ‘રામભાઈ જે ખાવાનો હોય એ ખા…’
અને રામભાઈ પણ ઘણા દિવસનો ભૂખ્યો હશે કે એને ધરવ જ ન થયો હશે કે શું, પણ તે નાસ્તા પર તૂટી પડ્યો! બાપડાના પેટમાં કુવો થઈ ગયેલો. એટલા સમયમાં ધવલે ગામમાં બધાને ફોન કરી દીધા અને ગામનું લોક પણ ખુશખુશાલ થઈને રામભાઈ પાસે પહોંચવા માંડ્યું. કોઈકે ગામમાં રાહ જોવાની શરૂ કરી.
એણે પેટ ભરીને ખાધું પછી એને પૂછ્યું તો તેણે અસ્ટમપસ્ટમ જ જવાબો આપ્યા. પરંતુ ખીસ્સામાંથી રેલવેની એક ટિકિટ નીકળી, જે બિલિમોરાથી વાપી સુધી એક્સપ્રેસ ટિકિટ હતી.
એટલો ખ્યાલ આવી ગયો કે કોઈક ભલા માણસે તેની સાથે ધીરજપૂર્વક પૂ્છતાછ કરીને જાણી લીધું કે આ ભોળો માણસ વાપી પાસેના કોઈક ગામનો છે. એટલે તેણે વાપી સુધીની ટિકિટ અને અમુક રૂપિયા આપેલા અને વાપી પર તેને કોઈક ઉતારી દે એવી વ્યવસ્થા કરી આપેલી!
પણ રામભાઈ જડી ગયા પછી ગામના લોકોનો જે હાશકારો હતો એ અનન્ય હતો. એ તો તેની લોકપ્રિયતા જ કહેવાય કે રામભાઈનું હેમખેમ પાછા ફરવું એ આખાય ગામના સહિયારા આનંદનું કારણ બન્યું. આમેય રામભાઈ બાબતે અમારું ગામ હંમેશાં એકમત રહે. સામાન્ય રીતે આપણી સંસ્કાર વ્યવસ્થા એવી કે કશુંક ઉપાર્જન ન કરતા માણસને નાથીયો કે રમશો કે રામલો જેવા સંબોધનથી બોલાવવામાં આવે. પરંતુ અમારો રામભાઈ આજીવન બધાનો રામભાઈ રહ્યો! એના પ્રત્યે બધાને લગાવ જ એટલો કે કોઈ તેને ‘એ રામલા…’ એમ કહીને નહીં બોલાવે!
***
પછીય જોકે અમે તો રામભાઈને ઘણીવાર ચીઢવ્યો અને તેની મજા લીધી. પરંતુ રામભાઈને અમારી બધી મજાઓમાં સામેલ પણ કર્યો. ગામના છોકરા સહિયારા યોગદાનથી કોઈક પાર્ટીનું આયોજન કરે તો એમાં અમારા રામભાઈનો હિસ્સો હોય જ! કે લગ્ન કે અન્ય પ્રસંગોએ રામભાઈને ખાસ નોતરું મૂકવાનું થતું. ગામના પ્રસંગોમાં ગણેશજીની સાથે અમે રામભાઈને ગણ્યો છે. અને સામે છેડે રામભાઈ અમારા પ્રસંગોમાં ન આવે એવું ન બને. બહુ પ્રેમથી એ દરેક ઉજાણીઓમાં સામેલ થાય અને અમારા સુખમાં ભાગીદાર થાય.
નવા વર્ષના દિવસે તો વળી એને વિશેષ ઉત્સાહ રહેતો એટલે મળસ્કામાં કફની અને પાયજામો પહેરીને તૈયાર થઈ જાય અને વહેલી સવારથી આખા ટુકવાડા ગામમાં ફરી વળીને બધાને સાલ મુબારક કરી આવે! નવા વર્ષે થતા ટુકવાડા અનાવિલ મંડળના કાર્યક્રમમાં પણ તે અગ્રહરોળમાં બેસીને સામેલ હોય અને ક્યારેક ચાનક ચઢે તો માઈક હાથમાં લઈને પોતાની અસ્ટમપસ્ટમ ભાષામાં એકાદ વક્તવ્ય પણ આપે.
રામભાઈ, તારા એ વક્તવ્યોમાં અમને તારી ભાષા નહોતી સમજાઈ, પરંતુ ભાષાઓને પણ અતિક્રમી જતો નિસ્વાર્થ પ્રેમ તો અમને સમજાતો પણ અને સ્પર્શતો પણ! નવા વર્ષની સવારે હવે તારી યાદ અચૂક થવાની છે. એ પણ અત્યંત પ્રેમથી! થોડા ચચરાટ સાથે પણ, કે હવે રામભાઈ આપણી સાથે નથી!
અમારા બાળપણને અનેક સ્મૃતિઓની ભેટ આપવા બદલ તારો આભાર રામભાઈ. દરેક પ્રસંગોએ વિશેષ તારી યાદ થશે. અને તારી સાથેના કિસ્સા જ્યારે જ્યારે યાદ કરાશે ત્યારે ચહેરા પર સ્મિત અને આંખોમાં પાણી હશે! અને હા, તને ચીઢવ્યો એ બદલ દિલથી સોરી! અમને ખબર છે કે તેં એ બાબતે અમને હંમેશાં માફ કર્યા છે. પણ તોય જો તું દુભાયો હોય તો ક્ષમા કરજે. સંયોગ પણ કેવો કે તું ગયો પણ સર્વપિતૃ શ્રાદ્ધના દિવસે રામભાઈ! એટલે દરવર્ષે આખું ગામ જાણ્યે – અજાણ્યે તારું તર્પણ કરશે.
અમારું બાળપણ અને ટુકવાડા ગામ તારું ઋણી રહેશે!
નોંધઃ
પાછલા ચારેક વર્ષથી રામભાઈ ગામથી થોડે જ દૂરના એક વૃદ્ધાશ્રમમાં રહેતો હતો. ગામના બીજા વડીલો ત્યાં હતા અને મેનેજમેન્ટમાં પણ ગામના લોકો હતા તેને મજા પણ ઘણી આવતી. મુંબઈ રહેતા તેના ભાઈ- ભત્રીજાઓના પ્રયત્નોથી ખાવા-પીવા બાબતે તેને કોઈ ચિંતા નહોતી અને પાછલી ઉંમરનો રઝળપાટ મટી ગયો હતો. કોરોનાને કારણે આજે સવારે ૭૭ વર્ષની ઉંમરે વાપીની હોસ્પિટલમાં તેનું અવસાન થયું છે.