મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.
અનાવિલોના લુપ્ત થતાં ગામડાં
અનાવિલો, “ પરશુરામની ભૂમિ “ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતના વાપીથી તાપીના પ્રદેશમાં વસવાટ કરતાં અને આજની તારીખમાં પણ આ વિસ્તાર “અનાવલાઓના વિસ્તાર “ તરીકે ઓળખાય છે. આ ઓળખ એમના મૂળ વતનના ગામથી રહી છે. ગામડા અને અનાવિલ જ્ઞાતિ પ્રથાએ ભૂતકાળમાં સામાજિક બંધારણને ટકાવી રાખવા અગત્યનો ભાગ ભજવ્યો તેમજ પોતાના સમૂહને સમૃધ્ધ બનાવવામાં ઘણો ફાળો આપ્યો છે .
આપણા વડીલોની શિખામણ “ ગામમાં ઘર અને સીમમાં ખેતર હોવું જોઈએ “ એ ટૂંકમાં ઘણું કહી જાય છે જેની પાછળ એ ભાવના હતી કે આપણી અસ્મિતા અને ગામડાનો વારસો જળવાઈ રહે .
મંદિરમાં થતી આરતી , દેવીદેવતાઓની જન્મજયંતી , પાટોત્સવ, સારા-નબળા પ્રસંગો ,ચોકમાં રમાતી ગરબાની રમઝટ જેની સામે ડીજે સંગીત પણ ફિક્કું લાગે , રામલીલા , ઘોર , કઠપૂતળીના ખેલ, દિવાળીના મેરિયા જેવી પરંપરાઓ તેમજ પેશવારાજ , અંગ્રેજો અને ફિરંગીઓ જેવા પરદેશીઓના રાજના સાક્ષી બનેલા આપણા દરેક ગામ “ આદર્શ ગામ” ની વ્યાખ્યામાં બેસે એવા હતા. એક સમયે શહેરમાં રહેતા લોકો વેકેશનમાં પોતાના ગામમાં રહી એટલો આનંદ માણતા કે હવા ખાવાના કે ફરવાના સ્થળોએ જવાની જરૂર જ નહતી પડતી .
કીંઆયડાં (કિયારડા ), વાડી વજીફા , વાડા , મહેલ જેવા મોટા ઘર આજે સૂના છે અને જાણે અનાવલા પાછા આવે એની રાહ જુએ છે .
સમયચક્ર એવું ફર્યું છે કે, આપણા અસ્તિત્વની ઓળખસમા આ ગામડાઓ ઓક્સિજન પર છે અને “Identity crisis “ની અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છે . જાણે કે આપણુ ગામ આપણુ ન રહેતા બીજા ધણી બની બેઠા , બીજું જે ઘણું બચ્યું છે તે પણ હવે વેચવાની હોડમાં છે.
આ પરિવર્તન અચાનક નથી આવ્યું પણ ધીમે ધીમે ઘણા પરિબળો કામ કરી ગયા . જેમકે ,
પાયાની સુવિધાઓનો અભાવ :- સારા રસ્તા, વીજળી ,સ્વચ્છ પાણી ,આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી મૂળભૂત સુવિધાનો અભાવ તેમજ પરિવહનની સુવિધાઓનો અભાવને લીધે ઘણી અગવડો થતી .
કૃષિસંકટ :- ડાંગર , વાલ , તુવેર ,ચણાના ખેતરો તેમજ કેરી ,ચીકુ ,શેરડીની વાડીઓથી સમૃદ્ધ એવા ગામડાઓમાં ધીમે ધીમે અપૂરતી સગવડો ,મજૂરોના અભાવ , તેમજ સિંચાઇની અપૂરતી સગવડો જેવા કારણોને લીધે ઉત્પાદકતા ઘટી અને કૃષિ સંકટ આવ્યું .
પ્રદૂષણ : હવા અને પાણીનું પ્રદૂષણ વધવાથી ઘણા લોકો છોડીને અન્ય સ્થળે વસ્યા . જેમકે પારડી તાલુકામાં અને વાપીમાં આવેલ GIDC ની ફેક્ટરીઓના લીધે ઘણું પ્રદૂષણ ફેલાયું અને લોકો ગામ છોડી વાપી નગર તરફ રહેવા આવી ગયા .
શહેર તરફ સ્થળાંતર :- રોજગારી ,આરોગ્ય , ઉચ્ચ શિક્ષણ , વગેરે તકો શહેરમાં સારી હોવાથી ગામડાની વસ્તી અડધોઅડધ ઘટી અને આર્થિક પ્રવૃતિઓમાં ઘટાડો થયો . અને તેઓ મુંબઈ , સુરત જેવા શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા .
સામાજિક અને આર્થિક પરિબળો :- મનોરંજનના સ્થળો , રેસ્ટોરાં , પિક્ચર તેમજ અન્ય મનોરંજક પ્રવૃતિઓનો આનંદ માણવા માટે શહેરોમાં રહેવાનું વધારે પસંદ કરવા લાગ્યા . તે સિવાય એક કરતા વધારે રહેઠાણ ,દેખાદેખી વગેરે પરિબળોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો.
અનાવિલોની ઘટતી જતી વસ્તી :- હમણાના ઘણા કુટુંબમાં એક અથવા બે જ સંતાનો હોય, એમાં પણ 10 માંથી 7 લોકોને તો USA, Europe વગેરે foreign country માં વસવાટ કરવો છે . હવે જો યુવા પેઢી પોતાના દેશમાં જ ન રહેતી હોય તો ગામડામાં વસવાટની વાત જ ક્યાં કરવી .
ઔધોગિકરણ અને પરપ્રાંતીય લોકોનો વસવાટ : અનાવિલોના વિસ્તાર ખાસ કરીને વાપીમાં આવેલ GIDC ના લીધે મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો , મોત ભાગે મજૂર વર્ગના આવી વસ્યા છે એના લીધે આપણા ગામડાઓમાં પણ ભાડેથી ઘર લીધા છે તેમજ એમની વસ્તી વધી ગઈ છે.
છતાં પણ હજુ એવા ઘણા ગામો છે જયાં 80% ઘર ખુલ્લા છે અને નવી પેઢી પણ એજ ગામમાં રહી પ્રગતિ કરે છે . હાલમાં શહેરમાં તેમજ વિદેશમાં રહેતા ઘણા લોકો પ્રસંગોપાત તેમજ ઉત્સવોમાં સહભાગી થવા પોતાના ગામમાં આવી રહે છે . ખાસ કરીને યુવા પેઢી પણ એમાં સહભાગી થાય છે તેમજ એમને પોતાના વતન માટે લાગણી હોવાથી કશુંક કરવાની ઈચ્છા જાગી છે . તેઓ પોતાના ગામ માટે આર્થિક યોગદાન તેમજ અન્ય સુવિધાઓ માટે પણ મદદરૂપ બન્યા છે .એટલે આશા છે કે ફરી પાછા ગામડારૂપી ફેફસાંમાં પ્રાણવાયુ પુરાશે અને એ સમૃધ્ધિ પાછી આવશે .
મારા મંતવ્ય પ્રમાણે જે અનાવિલ જ્ઞાતિ અને ગામડાઓએ આપણને અસ્તિત્વની ઓળખ આપી છે તો એ સંસ્કૃતિ જીવંત રાખવા આપણે શરૂઆત કરવી પડશે અને એ ઋણ ચૂકવવા પ્રયત્ન કરવા પડશે . જેમકે ,
· દરેક ગામમાં પ્રવેશદ્વાર પાસે મોટા અક્ષરોમાં એ ગામનું નામ તથા અનાવિલ વિસ્તાર અથવા “દેસાઇવાડ “ લખવું જોઈએ . અમુક ગામમાં લખેલું હોય છે પણ દરેક ગામના સરપંચ સાથે અથવા પાલિકા સાથે વિચારણા કરી લખવું જોઈએ .
પ્રસંગોપાત , વેકેશનમાં બાળકો સાથે ગામની મુલાકાત અવશ્ય લેવી અને રહેવું .
બાળકોને નાનપણથી આપણા સમૃદ્ધ ગામડા , આપણી કુળદેવી , ગોત્ર, વંશાવલી વગેરેથી માહિતગાર કરવા , આપણી ભાષામાં બોલવાનો આગ્રહ રાખવો , આપણા તીર્થધામ અનાવલની મુલાકાત લેવી વગેરે .
હમણાં જે લગ્ન પહેલા “Pre wedding shoot “ ગામની વાડી અને ગામના ઘરમાં કરવું .
ગામની જમીન કે ઘર વેચવું હોય તો અનાવિલને જ વેચવું .
ગામના વિશિષ્ટ સ્થળોને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવું . હાલમાં ઉમરસાડી ગામ પ્રવાસન ક્ષેત્રે ઘણું વિકસી રહ્યું છે .
દરેક ગામ એની વિશેષતાઓ તેમજ ઈતિહાસ , વ્યક્તિ વિશેષ વગેરે માટે પુસ્તિકા બહાર પાડે અને “You tube “ વિડિયો બનાવે .
‘અનાવિલ ગામડાઓ અને સંસ્કૃતિ “ પ્રદર્શિત કરતું એક “Museum” જેમાં “Artificial Intelligence” ની મદદથી ગામડાંની સંસ્કૃતિના દર્શન થાય જેમકે ગામના ઘર, વાડી ,ચોક, ઓટલા , બળદગાડી , ખીદગાડું , પેટારા , ચૂલા વગેરે ના ચિત્રો , શિલ્પ અને short film બતાવી શકે .
વસ્તી ગણતરી પણ સમયાંતરે થવી જોઈએ .
વાર્ષિક મેળાવડો ગામમાં જ રાખવો એમાં કેરીની ઋતુમાં “Food Festival “ રાખવો અને પંગતમાં પતરાળી અને દળિયામાં લાપસી , ભજીયા , રસ , વાળની દાળણું શાક વગેરેની મિજબાની માણવી .
એક મોટું “અનાવિલ સંકૂલ “ જેમાં ફક્ત અનાવિલોના જ ઘર હોય અથવા બની શકે તો એક આખું મોટું અનાવિલોનું ગામ હોય જેમાં આધુનિક બધી જ સગવડ હોય જેથી યુવા વર્ગ પણ ગામમાં રહેવા પ્રેરાય .
ગામના વડીલો , વ્યક્તિ વિશેષ તેમજ વિશિષ્ઠ યોગદાન આપનાર માટે “સ્મૃતિ” તરીકે કૂવા , સરોવર તેમજ વૃક્ષો અથવા વાડી તેમજ રસ્તાઓના નામ આપવા .
તો આવો બધાં સાથે મળી આપણા પૂર્વજોએ વારસામાં આપેલ ગામડાઓ ફરી જીવંત કરી ઋણ અદા કરીએ .
