મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.
એક હતો અનાવિલ !{અજ્ઞાત}
એક હતો અનાવિલ...!
ઓહ .! તો શું પચાસ વર્ષો પછી આ ધરતી પર એક પણ અનાવિલ ફરતો જોવા નહીં મળે? 'મોદી..મોદી‘ ના હોકારા પાડતા, મોરારજીના નામે ઊભા થઇ જતા,અનાવિલોના એકસોથી વધુ ગામોમાં બીજેપીના ઝંડો લઇને ફરતા,નેતા બનવાની લાઈનમાં ઊભેલા જુવાન અનાવિલ રાજકીય કાર્યકર્તાઓ મોટા નેતા થવાના વ્યર્થ સ્વપ્નો જોતા જોવાના નહીં મળે? શું હવે વાક્યનો શરૂઆતમા કે વાક્યના છેડે ગાળો સાંભળવાની નહીં મળે? હવે દીકરાઓને સંસ્કારી બનાવવા યોજાતા યજ્ઞોપવિતના પ્રસંગો નહીં યોજાય? શું હવે વઘારેલાં પાતરાં,વડાં,માલપુડા,
કાંદાના પુડા,ડખુ,ચોખાને વેંગણબટાકા ઝાપટવાના જલસા બંધ થઇ જશે?
શું હવે અનાવિલોના સંગઠનો રચીને હોદ્દાઓ માટે પડાપડી થતી અને ચૂટણોઓ યોજીને વટ પાડવાનું બંધ થઇ જશે? ગરબા,લગ્નસમારંભો,‘કેસરિયો જાન લાવ્યો‘ જેવાં લગ્નગીતો સંભળાતાં બંધ થઇ જશે? કોઇ અનાવલો ચીફ મિનિસ્ટર કે કેંદ્રીય મંત્રી બનશે એવી કલ્પના કરનારો અનાવિલ પણ એકેય નહીં હોય?
અહાહા, પચાસ વર્ષો પહેલાં વાપીથી તાપી વચ્ચેના એકસોદશથી વધારે ગામોમાં અનાવિલો કેટલા સુખથી રહેતા હતા. દરેક ગામોમાં અનાવિલોના સરેરાશ પચાસ ઘરો હતાં. અલગ ફળિયાં હતાં.ફળિયામા નળિયાંવાળા હારબંધ ઘરો હતાં. દરેક અનાવિલો પાસે જમીન હતી.ડાંગર,જુવાર,કપાસ,વાલ, મગ.કેળાંની ખેતી હતી. વાડીગામોમાં ચીકુ અને આંબાની વાડીઓ હતી.હળપતિઓ અનાવિલોની ખેતી કરતા અને અનાવિલો ચોતરે બેસીને ખોંખારા ખાતા દેશ અને દુનિયાની વાતો કરતા. સમય ક્યાં પસાર થઇ જતો એની ખબર નહોતી પડતી. ભલું થજો(!) કાઠિયાવાડીઓનું કે વીઘાંના લાખો રૂપિયા આપીને અનાવિલોને કરોડપતિ બનાવીને શહેરભેગા કરી દીધા..! અનાવિલો પાસે બંગલા આવી ગયા,ગાડી આવી ગઇ પણ ગામડાં ખાલી થઇ ગયાં અને ઘણાં અનાવિલો જમીન વગરના થઇ ગયા. અનાવિલ કુટુંબો વિભક્ત થતાં ગયાં અને દીકરાઓ માતાપિતાથી અલગ રહેતા થયા.અનાવિલ દીકરીઓ ગામડે નથી પરણવું કહીને પરજ્ઞાતિમાં જતી થઇ ગઇ અને ઉદાર અનાવિલોએ આ સામાજિક પરિવર્તનને સ્વીકારી લીધું.
અનાવિલ વહુઓએ નક્કી કર્યું કે એકથી વધારે સંતાન નહીં જોઇએ. બેત્રણ સંતાનોને જન્મ આપીને અમારે એમના ઉછેર પાછળ જુવાનીનાં પંદરવીસ વર્ષો વેડફી નથી દેવાં..! અમારે ગરબા ગાવા છે, સિનેમા—નાટક જોવાં છે,દુબઇ,નેપાળ,કેનેડા,અમેરિકાની,યુરોપની ટૂર કરવી છે.સમાજમાં વટથી ફરવું છે.છોકરાંઓની મોટી જંજાળ અમારે નહીં જોઇએ કહીને રણશિંગુ ફૂંક્યું અને અનાવિલ પરૂષોએ પત્નીની વાત ઉપર મંજૂરીની મહોર મારી દીધી પરિણામે અનાવિલોનો જન્મદર બિલકુલ ઘટી ગયો. વૃધ્ધોની મરણસંખ્યા વધતી ગઇ. કોરોનાએ હજારેક અનાવિલોને ઊંચકી લીધા..! દશ વર્ષોમાં પચાસેક હજાર અનાવિલ યુવકો અભ્યાસ કરવા વિદેશ ઉપડી ગયા.એ હવે ઇન્ડિયા પાછા નહીં આવે. ત્રણ લાખ અનાવિલો હતા એના હવે બે લાખ થઇ ગયા.થોડાં વર્ષોમાં બે લાખના દોઢ લાખ,દોઢ લાખના લાખ અને પચાસ વર્ષ પછી અનાવિલ સ્મૃતિશેષ બની જશે. લોકો ‘અનાવિલો આવા હતા અને તેવા હતા‘ એમ યાદ કરતા થઇ જશે..!.
મૌર્યવંશ, ગુપ્તવંશની જેમ અનાવિલવંશની ઇતિહાસ નોંધ લેશે ખરો?
